આખો સંગ્રહ PDF માં — ચિત્ર વાર્તાઓ સાથે:

પંચતંત્રની વાર્તાઓ – ગુજરાતી PDF

પંચતંત્રની 8 વાર્તાઓ, એક જ સંગ્રહમાં

પંચતંત્રની આ વાર્તાઓ સદીઓથી બાળકોને પ્રાણીઓની વાર્તા દ્વારા જીવનનો બોધ આપતી આવી છે. અહીં 8 વાર્તાઓ એક જ પાને મૂકી છે — બાળક સાથે વાંચવા માટે, અથવા Save PDF દબાવીને છાપીને સાચવવા માટે.

વરુ અને ઘેંટાનું બચ્ચું – Classic Panchatantra Story

Looking for Gujarati stories for babies? You’ll love this one.

ક વખત એક જંગલ હતું. આસપાસમાં નાની પહાડીઓ અને ખીણથી ઘેરાયેલું આ જંગલ ખુબ ગાઢ હતું. તેમાં એક નાની નદી પણ વહેતી હતી. આ જંગલમાં એક વરુ રહેતું હતું.

એક સવારે, આ વરુ કોઈ નાના એવા ઝરણામાંથી પાણી પી રહ્યું હતું. અચાનક તેનું ધ્યાન પડ્યું તો, એક સુંદર મજાનું, ગોળ-મટોળ, સફેદ રૂનાં પોલ જેવું ઘેંટાનું બચ્ચું પણ આ જ ઝરણામાં થોડે દૂર, નીચાણવાળા ભાગમાં પાણી પી રહ્યું હતું.ઘેંટાનાં બચ્ચાને જોતાં જ ચાલક વરુ મગજમાં કોઈક યુક્તિ વિચારવા લાગ્યું કે જેથી કરીને એ આ બચ્ચા પર હુમલો કરી અને તેને પોતાનું બપોરનું ભોજન બનાવી શકે.

ચાલાક વરુ ઝરણા પાસે ઊંચાઈ પરથી બૂમ પાડે છે અને આશ્ચર્યચકિત નાનકડું ઘેટું નીચે જુએ છે

તેણે જોરથી બૂમ પાડી કહ્યું, “એય ઘેંટાના બચ્ચા! મારું પાણી એંઠું કરવાની તારી હિંમત કેવી રીતે થઇ? શું તું જોતો નથી કે હું અહીં પાણી પી રહ્યો છું.”

વરુ ડરાવીને ઘેટાના બચ્ચા તરફ આક્રમક રીતે ઝૂકે છે અને બચ્ચું ડરથી થરથર ધ્રૂજે છે

બિચારું ઘેટું તો વરુનો આવો ઉંચો અવાજ સાંભળી હેબતાઈ જ ગયું. માફી માંગતા તેણે કહ્યું કે, “તમારી કંઇક ભૂલ થતી હોય એમ લાગે છે, સાહેબ! હું તમારું પાણી કેવી રીતે એંઠું કરી શકું? આમ જુઓ, તમે ત્યાં ઉંચાઈ પર છો અને હું અહીં નીચે, આ પાણી તો તમારી તરફથી વહીને મારી તરફ આવે છે.”

વરુ સમજી ગયું કે, આ ઘેંટાનું બચ્ચું કંઈ એમ જ ભોળવી શકાય તેવું મુર્ખ નથી. હવે, તેણે નવી યુક્તિ વિચારવાનું શરુ કર્યું. વરુને કોઈ પણ પ્રયુક્તિ કરીને ઝગડો કરવો હતો, આમ કરે તો જ આ ઘેંટાને મારી નાખવાનું યોગ્ય કારણ મળે અને એ તેનાં સ્વાદિષ્ટ માંસની જયાફત ઉડાવી શકે.

“તને યાદ છે, હજી એક વર્ષ પહેલા જ તેં મને કેટકેટલી ધમકીઓ આપેલી અને મારે માટે કેટલા અપશબ્દ ઉચ્ચારેલા?” ભોળા બચ્ચાને ડરાવતા વરુ બોલ્યું.

આશ્ચર્ય સાથે મોટી-મોટી આંખો વડે વરુ તરફ તાકતા ઘેંટાનું બચ્ચું બોલ્યું, “એ કેવી રીતે શક્ય બને? હજી એક વર્ષ પહેલા તો મારો જન્મ પણ નહોતો થયો.”

“બકવાસ ના કર મૂર્ખ! વરુએ ત્રાડ પાડી કહ્યું. “શું તું મને મુર્ખ સમજે છે? મને બરાબર યાદ છે, તું કહે છે કે એ તું નહોતો, તો એ સમયે મને અપશબ્દ કહેનાર ચોક્કસ તારા પિતા જ હશે.”

ડરનું માર્યું થર-થર ધ્રુજતું, ઘેંટાનું ભોળું બચ્ચું વિનંતી કરતા બોલ્યું, “ઓહો! તો, તો મારા પિતાનાં આવા ગેરવર્તન બદલ હું દિલગીર છું. બાકી, બહુમાં બહુ તો હું તમારી માફી માંગી શકું, એનાથી વધારે તો અત્યારે હું શું કરું?” ગભરાયેલું, બિચારું નાનકડું બચ્ચું વરુની ચાલમાં બરાબર ફસાઈ ગયું હતું.

વરુએ કહ્યું, “મને લાગે છે કે, તું અને તારા પિતા એક નંબરનાં બદમાશ છો. તમે પહેલા ખોટા કામો કરો છો અને પછી મારા જેવું સજ્જન કંઈ કહે તો, તેની સાથે દલીલો કરી પોતાનો દોષ માનવાને બદલે તેમાંથી છટકવાનો પ્રયાસ કરો છો. મને લાગે છે કે, તારા અને તારા પરિવાર જેવા દુષ્ટોને મારે પાઠ ભણાવવો જ પડશે!”

બિચારું ઘેંટાનું બચ્ચું વરુની આ લવારી સાંભળી દંગ રહી ગયું અને શું થઇ રહ્યું છે એ વિશે કંઈ સમજે એ પહેલા જ ધૂર્ત વરુ તેના પર ઝપટ્યું અને એક જ વારમાં એ નાનકડા ભોળા-ભટાક બચ્ચાનો કોળીયો કરી ગયું…

બોધ

જે અન્યાય કરવાનું નક્કી કરી ચૂક્યો હોય તેને સાચા કારણની નહીં, માત્ર બહાનાની જરૂર હોય છે; આવા મન સામે સત્ય પણ બચાવ બની શકતું નથી.

The End.

I found few more Gujarati stories for Kids in Toronto Public Library.

આ વાર્તા અલગ પાને વાંચો →

બે માથાવાળું પક્ષી – [A Panchatantra story of a strange bird]

As a kid, I loved panchatantra stories!

ક વખત, નદીનાં કિનારે એક ખુબ જ મોટું વડનું ઝાડ હતું. આ ઝાડ પર બહુ વિચિત્ર પણ અનોખું એવું એક પક્ષી રહેતું હતું. આ પક્ષીને બે માથા હતા. આ અનોખા પક્ષીને બે માથા હોવા છતાં, તેને પેટ એક જ હતું.

કહેવાય ને વિચિત્ર?

એક દિવસ આ પક્ષી બસ એમ જ આકાશમાં ઉંચે આમતેમ ઉડી રહ્યું હતું ત્યારે, તેને નીચે નદીનાં કિનારા પર કંઇક ચમકતી, લાલ ચીજ દેખાઈ. પક્ષી સરરર કરતું ત્વરાથી નીચે ઉતર્યું અને તેણે એ ચમકતી ચીજ ચાંચ વડે ઉઠાવી લીધી. એ લાલ વસ્તુ તો એક ફળ હતું. પક્ષીએ આ પહેલા ક્યારેય આવું સુંદર ફળ જોયું ન હતું. તે તો એ ફળ ખાવા લાગ્યું. અહહાહા! ફળ તો જાણે સ્વર્ગથી ઉતર્યું હોય એવું સ્વાદિષ્ટ! પક્ષીએ તો આ પહેલા ક્યારેય આટલું સ્વાદિષ્ટ ફળ ખાધું જ નહોતું.

બીજા માથાએ આ જોયું. તેણે એ ફળનો એક ટુકડો આપવા પહેલા માથાને કહ્યું. તે બોલ્યું, “તું એ એકલા કેવી રીતે ખાઈ શકે? એ સારી વાત ના કહેવાય. હું તારું સાથીદાર છું. તું એ સ્વાદિષ્ટ ફળ મારી સાથે વહેંચીને કેમ નથી ખાઈ રહ્યું? મને પણ થોડું આપ ને!”

નદી કિનારે બે માથાવાળું પક્ષી, એક માથું ફળ ખાઈ રહ્યું છે અને બીજું ઉદાસ છે

પહેલા માથાએ જવાબ દેતાં કહ્યું, “ચુપ થઇ જા! આટલી ફરિયાદ કેમ કરે છે? મને ખબર છે તું મારું જોડીદાર છે પણ, શું તું જાણતું નથી કે આપણે માથા ભલે ને બે હોઈએ પણ, પેટ તો એક જ છે. આપણામાંથી કોઈ પણ ખાય પણ જશે તો આપણા જ પેટમાં ને એટલે, ફળ કોણ ખાય એ મહત્વનું નથી? આ ઉપરાંત, એ ફળ મને મળ્યું હતું એટલે તેને ખાવાનો હક પણ મારો જ છે.”

આ સાંભળીને, બીજા માથાને ખુબ ખરાબ લાગ્યું. તેણે એ સમયે તો કંઈ ન કહ્યું પરંતુ, પહેલા માથાનું આવું લોભી વર્તન જોઈ તેને મનમાં તો ખુબ ગુસ્સો આવ્યો.

આ વાતને ઘણા દિવસો થઇ ગયા. એમાં એક દિવસ પક્ષી આકાશમાં ઉંચે ઉડવાની મજા લઇ રહ્યું હતું. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હતો. એવામાં અચાનક જ બીજા માથાએ નીચે કંઇક જોયું. તે ફળોથી લદાયેલું એક વૃક્ષ હતું. પક્ષી તો હોંશભેર વૃક્ષ પાસે નીચે ઉતરી આવ્યું. તેણે તો તરત જ એક ફળ તોડ્યું અને જેવું એ ખાવા જ જતું હતું ત્યાં, પહેલા માથાએ જોરથી બૂમ પાડી, “થોભી જા!”

વૃક્ષ પર બેઠેલું બે માથાવાળું પક્ષી, બીજું માથું ગુસ્સાથી ઝેરી ફળ ખાવા જાય છે અને પહેલું માથું રડે છે

પહેલા માથાએ, બીજા માથાને રોકતા કહ્યું, “એ ફળ તો ભૂલથી પણ ન ખાઈશ. તને ખબર નથી કે શું? આ ઝાડ પરનાં ફળો તો ઝેરી છે. જો તું આ વૃક્ષનાં ફળ ખાઈશ તો, આપણે બંને તરત જ મરી જઈશું.”
જાણે પહેલા માથાની વાત સાંભળી જ ન હોય તેમ, બીજું માથું તો ફળને તાકતું જ રહ્યું.

પહેલું માથું ફરીથી વિનંતી કરતા બોલ્યું, “મહેરબાની કરીને ફરીથી એક વખત વિચારી જો. આપણા બંનેનું પેટ તો એક જ છે એટલે, જો તું એ ઝેરી ફળ ખાઇશ તો, તે આપણને બંનેને નુકસાન કરશે. આવું અવિચારી વર્તન કેમ કરે છે? અરે ભાઈ, ફળ ખાઇશ તો, આપણે બંને મરીશું.”

“મોં બંધ રાખ! બીજા માથાએ રાડ પાડતા કહ્યું. “જુઓ તો ખરા, કોણ આજે ડાહી – ડમરી વાતો કરી રહ્યું છે!? તે દિવસે એકલા પેલું સ્વાદિષ્ટ ફળ ખાઈ રહ્યું હતું ત્યારે આ ડહાપણ ક્યાં હતું? બાકી, તું કહે છે એમ આ ફળ મેં પહેલા જોયું છે અને તે મેં તોડ્યું છે એટલે તેને ખાવાનો હક પણ મારો જ છે!”

પહેલું માથું બિચારું રડવા લાગ્યું. એ કરગરતું રહ્યું પણ, લોભમાં અંધ થઇ ગયેલું બીજું માથું તેનાં સાથીદારની કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતું. તે આજે તેનાં સાથીનાં ગેરવર્તનનો બદલો લેવા માંગતું હતું. અંતે તેણે એ ઝેરી ફળ ખાઈ જ લીધું અને ઝેર પેટમાં પહોંચતા જ પક્ષી ત્યાંને ત્યાં જ ઢળી પડ્યું!

બોધ

લોભ અને બદલાની ભાવના હંમેશા વિનાશ નોતરે છે. જ્યારે આપણે એક જ શરીર અથવા ભાગ્ય વહેંચતા હોઈએ, ત્યારે બીજાને નુકસાન પહોંચાડવાથી આખરે આપણને જ નુકસાન થાય છે.

The End.

Keep reading panchatantra stories! Do not forget to post comments below.

આ વાર્તા અલગ પાને વાંચો →

શિયાળ અને નગારું

Waiting for new fables? Gujarati stories? Here we go!

ખોરાકની શોધમાં એ તો આમ-તેમ ભટકવા લાગ્યું. આમ ભટકતા-ભટકતા એ ઘણું દૂર નીકળી આવ્યું. આ શું? એ તો પેલા યુદ્ધનાં મેદાન સુધી આવી પહોંચ્યું હતું. હવે, આ રણમેદાનમાં કોઈક યુદ્ધનાં સમયે લોકો પોતાની સાથે મોટું નગારું, જેને દુંદુભી પણ કહેવાય એ લાવેલા અને અહીં જ છોડીને જતા રહેલા. તો, એ નગારું એક મોટા ઝાડ નીચે પડેલું હતું. હવે થાય એવું કે, જયારે-જયારે પવન વાય ત્યારે-ત્યારે આ ઝાડની એક નીચે નમેલી ડાળ નગારા પર અથડાય અને નગારામાંથી મોટો, ડરામણો અવાજ આવે.

શિયાળ જેવું ત્યાં પહોંચ્યું કે, તેણે આ મોટી, વિચિત્ર વસ્તુમાંથી આવો ભયાનક અવાજ આવતો સાંભળ્યો. પહેલા તો એ ખરાબ રીતે ડરી ગયું પણ, પછી ધીમે રહીને તેણે આ મોટી વસ્તુને આજુબાજુમાંથી ચકાસવાનું શરુ કર્યું. તેણે વિચાર્યું, ‘આ પ્રાણી આમ છે તો વિશાળ પણ, જાણે કંઈ જોખમ હોય તેવું જણાતું નથી!’ તે હજુ થોડું નજીક ગયું તો પણ, નગારું તો ન હલ્યું કે ન ચાલ્યું. હવે, પોતાનામાં હતી તેટલી હિંમત એકઠી કરીને, શિયાળે પોતાના આગળનાં પંજા વડે નગારાને ફટકાર્યું. અને નગારામાંથી ‘ઢમ, ઢમ!’ એવો ભયંકર મોટો અવાજ ઉત્પન્ન થયો.

ડરી ગયેલું શિયાળ નગારાના અવાજથી ઝાડ પાછળ સંતાઈ જાય છે

ડરનું માર્યું શિયાળ તો કુદીને નગારા પરથી ઉતરી ગયું અને ફટ્ટ કરતું ઝાડની પાછળ લપાઈ ગયું. થોડી વાર પછી, શિયાળનાં જીવમાં જીવ આવ્યો. એ તો વિચારવા લાગ્યું, ‘નક્કી આ મોટા જાનવરનાં પેટમાં કોઈ બીજું જનાવર છુપાઈને બેઠું હોવું જોઈએ.જો હું આનું આ મોટું ભમ્ભોટ પેટ ફાડી નાખું તો, મને મજેદાર ભોજન મળી શકે એમ છે.’ ભૂખ્યા શિયાળે તો આ મહાકાય પ્રાણીનું પેટ ફાડવાનું નક્કી કરી લીધું.

હવે, આપણે તો જાણીએ જ છીએ કે, નગારાનો ઉપરનો ભાગ ચામડા વડે મઢેલો હોય છે તેમજ એ એટલું તો મજબુત હોય કે સરળતાથી ફાડી શકાય નહીં. અહીં પણ એ જ થયું, શિયાળ પોતાના બંને પંજા વડે નગારાને પીટવા લાગ્યું પણ, એમ કંઈ ચામડું તૂટે ખરું? ચીડાયેલું શિયાળ તો ઓર જોરથી નગારું પીટવા લાગ્યું.

ગુસ્સે ભરાયેલું શિયાળ નગારાને બચકા ભરે છે અને તેનો દાંત તૂટી જાય છે

પણ, કંઈ ફાયદો થયો નહીં. શિયાળે તો વધુ જોર લગાવવાનું નક્કી કર્યું. એ વિચારવા લાગ્યું, ‘હાય, અંદર બેઠેલું પ્રાણી તો ભારે લુચ્ચું! આટલી મજબુત જગ્યા બનાવી છે છુપાવા માટે… પણ, હું આજે તો આટલી મહેનત કર્યા પછી એમ કંઈ તેને થોડું છોડી દઈશ? મારા આ તિક્ષ્ણ દાંત ક્યારે કામ આવશે વળી? હમણાં એક જ વારમાં તેને ચીરી ન નાખું તો, મારું નામ નહીં..’ આમ વિચારી, શિયાળ તો નગારાને બચકા ભરવા લાગ્યું. એકબાજુ તેનાં મનમાં અંદર છુપાયેલા પ્રાણીનો ભય હતો પણ, સાથે જ ભૂખ પણ ખુબ લાગેલી હોવાથી એ આ શિકારને જવા દેવા માંગતું નહોતું.

થોડીવાર નગારાને બચકા ભર્યા પછી અચાનક જ શિયાળને મોંમાં તાજા લોહીનો સ્વાદ આવવા લાગ્યો. શિયાળ તો રાજીનાં રેડ થઈ ગયું. તેને હવે તેનો શિકાર હાથવેંતમાં લાગ્યો. પણ અરે, આ શું? નગારું તો બિલકુલ જેમનું તેમ પડ્યું હતું. ના રે, નગારાને તો કશું જ નહોતું થયું, ઉલ્ટાનો શિયાળનો એક દાંત પડી ગયો હતો અને ખરેખર તો જે લોહી શિયાળનાં મોંમાં આવ્યું એ તો તેનો એ દાંત તૂટી જવાના કારણે હતું!

શિયાળને લાગ્યું કે તેનો દાંત નગારાની અંદર બેઠેલા જાનવરે મુક્કો મારીને તોડી નાખ્યો છે. આમ વિચારીને ગુસ્સે ભરાયેલા શિયાળે નગારાને જોર-જોરથી પીટવા માંડ્યું. છેવટે, નગારું ચિરાઈ ગયું! શિયાળને તો ભારે નવી લાગી કે, આટલું મોટું પેટ ચિરાઈ ગયું પણ, લોહીનું એક ટીપું ન નીકળ્યું!?

વિસ્મય પામેલું શિયાળ પોતાનો શિકાર મેળવવા માટે નગારાની અંદર પ્રવેશ્યું. પણ, અફસોસ, એ તો અંદરથી સાવ જ ખાલીખમ હતું…

એ નગારા પરથી નીચે ઉતર્યું. નિરાશ થયેલા શિયાળે આજુ-બાજુ જોયું અને નિસાસો નાખતા કહ્યું, ‘મારું આ મૂર્ખાઈભર્યું કારસ્તાન કોઈએ જોયું ન હોય તો સારું!’

એટલામાં, હવા આવી અને અગાઉની જેમ જ પેલા ઝાડની ડાળ નગારા સાથે અથડાઈ પણ, આ વખતે કોઈ જ મોટો, ડરામણો અવાજ ન આવ્યો! આ જોઈ શિયાળને હાશકારો થયો. એ મનમાં વિચારવા લાગ્યું, ‘મારે એક દાંત ભલે ગુમાવવો પડ્યો પણ, આખરે મને આ વિશાળકાય દુશ્મનને ખતમ કરવામાં સફળતા મળી ખરી!’

પોતાની બહાદુરી પર ખુશ થતું ભૂખ્યું શિયાળ કોઈ ડર વિના ખોરાકની શોધમાં આગળ ચાલી નીકળ્યું…

The End.

I didn’t know of so many fables stories and panchatantra Gujarati stories available on Youtube!

બોધ

ડર હંમેશાં અજાણી વસ્તુઓનો જ લાગે છે. જો હિંમતથી તેનો સામનો કરીએ તો, કેટલીકવાર તે ડર નગારાની જેમ સાવ ખાલી નીકળે છે.

આ વાર્તા અલગ પાને વાંચો →

પંચતંત્રની વાર્તા – બગલો અને કરચલો | ગુજરાતી બાળવાર્તા

ચાલો, આજે એક નવી બાળવાર્તા (fun story for kids in Gujarati) વાંચીએ.

હુ વખત પહેલાની વાત છે, એક તળાવ પાસે એક બગલો રહેતો હતો.

બગલો ખબર છે ને? પેલું એકદમ રૂ જેવું સફેદ, લાંબી ચાંચ, લાંબા પગવાળું પક્ષી, જે પાણીમાં લાંબા-લાંબા ડગ ભરીને ચાલે. અને એ શું ખાય ખબર છે? માછલી ખાય, દેડકા ખાય, નાના-નાના કરચલા ખાય અને વળી પાણીમાં રહેતા જીવ-જંતુ પણ ખાય!

તો, આવો જ એક બગલો એક સરસ મજાના, નાનકડા તળાવ પાસે રહે.

તળાવ તો ખુબ સુંદર, તેમાં ચોખ્ખું, મીઠું પાણી અને એ પાણીમાં જાત-જાતની માછલીઓ અને બીજા જીવો રહે. એટલે આપણા બગલાભાઈને તો મજા જ મજા! રોજ અલગ-અલગ પ્રકારની માછલીઓ ખાવા મળે તો કોને ન ગમે? એટલે આ તળાવને કાંઠે બગલો શાંતિથી જીવન પસાર કરી રહ્યો હતો.

સમય જતા બગલો થઇ ગયો વૃદ્ધ! હવે આંખો નબળી થઇ, શક્તિ ઓછી થઇ એટલે બગલો સારી રીતે શિકાર કરીને માછલીઓ પકડી શકે નહીં. કોઈ કોઈ વખત તો ભૂખ્યા રહેવાનો વારો આવે. પણ, બગલો એટલે એક ચતુર પક્ષી! તેણે એક યુક્તિ વિચારી લીધી કે જેથી કરીને તેની સમસ્યાનું કાયમી સમાધાન થઇ જાય અને હંમેશને માટે તેનાં ભોજનની વ્યવસ્થા થઇ શકે.

એક દિવસ બગલો તળાવમાં એકદમ ઉદાસ ચહેરા સાથે સ્થિર ઉભો હતો, ન હલે કે ન ચલે; ન તો માછલીઓ પકડે!! આમ તો તળાવના બધા જીવો આ બગલાથી દુર જ રહે કેમકે, ક્યારે બગલાભાઈ એમનો કોળીયો કરી જાય એ થોડી ખબર પડે? પણ, આજે તો બધા તરતા-તરતા એમની ખૂબ નજીક પહોંચી ગયા તો પણ, બગલો તો એમને જાણે જોતો પણ નથી. આ તો કેવું આશ્ચર્ય!? બગલો માછલીઓ ન પકડે એ તે કેવું?

તેનાં આવા વર્તનથી આશ્ચર્ય પામેલા જીવોમાંથી તળાવનો સૌથી વૃદ્ધ અને સમજુ કરચલો આગળ આવ્યો અને તેણે બગલાને પૂછ્યું, “શું વાત છે, બગલાભાઈ? કેમ આમ ઉદાસ છો?” દુઃખી ચહેરે, ભારે અવાજમાં જવાબ આપતા બગલો બોલ્યો, “અરે, અરે મારા આ પ્રિય તળાવને છેલ્લી વખત મન ભરીને જોઈ લઉં. હવે તો હું આ ઘર છોડીને દૂર ઊડી જવાનો છું. મને તમારી બધાની અને આ સુંદર તળાવની ખૂબ જ યાદ આવશે પણ, શું કરી શકાય?”

આ સાંભળી એક નાનકડી માછલી આગળ આવી અને આતુરતાથી પૂછવા લાગી, “કેમ? શું થયું? ઘર છોડીને કેમ જાઓ છો?”

તળાવના જીવોને પોતાની યુક્તિમાં ફસાતા જોઈ બગલો વધુ ઘેરા, ઉદાસીન અવાજમાં બોલ્યો, “મેં સાંભળ્યું છે કે, અમુક લોકો આ તળાવને માટીથી ભરી દેવાના છે. એ લોકો અહીં ખેતી કરીને પાક ઉગાડવાનું વિચારે છે. આ તળાવ સુકાઈ જશે તો શું થશે? આમ કહીને બગલો તો રડવા જેવો થઇ ગયો. રડમસ અવાજમાં આગળ બોલતા બગલો કહે, “હું તમને મરતાં નહીં જોઈ શકું. એટલે જ, હું અહીંથી ઊડી જવાનો છું. મેં નજીકમાં જ એક મોટું તળાવ જોયું છે. ત્યાં જઈને તમારા બધા વિના બાકીનું જીવન જીવી લઈશ.

અલવિદા મિત્રો!! કાશ, હું તમારી મદદ કરી શક્યો હોત!”

બગલાની આવી વાત સાંભળી તળાવમાં રહેતી માછલીઓ, દેડકા અને કરચલા તો ગભરાઈ ગયા. એ બધા સાથે મળીને તેમને બચાવી લેવા માટે બગલા પાસે આજીજી કરવા લાગ્યા. તેમણે બગલાને કહ્યું કે, એ તેમને ચાંચમાં ભરીને પેલા મોટા તળાવ સુધી લઇ જાય.
બગલો આવા કામ માટે ના પાડે ખરો?

એક ઊંચો સફેદ બગલો ખોટા દુઃખ સાથે નીચે જોઈ રહ્યો છે જ્યારે પાણીમાંથી નાની માછલીઓ અને કરચલો ચિંતાથી તેની તરફ જુએ છે

થોડી હા-ના કરતા લુચ્ચો બગલો બધાને એક-એક કરીને વારાફરતી પેલા તળાવ સુધી લઇ જવા માટે માની ગયો. તળાવનાં બધા જીવો તો ખુશ-ખુશ થઇ ગયા. એ તો નવા, મોટા તળાવમાં એમનું જીવન કેટલું સરસ હશે તેની કલ્પનામાં રાચવા લાગ્યા.

હવે, બગલો વારાફરતી એક-એક માછલીને પોતાની ચાંચમાં ભરીને પેલા તળાવ સુધી લઇ જવા માંડ્યો. તળાવનાં જીવો નવી જગ્યામાં પોતાના ભાઈઓ અને મિત્રોનું જીવન કેટલું સરસ હશે એ વિચારીને ખુશ થતા. બધા હોંશભેર પોતાનો વારો આવે તેની રાહ જોઈ રહ્યા હતા. પણ, ખરી વાતની તેમને ક્યાં જાણ હતી?

હકીકતમાં, બગલો તેમને ચાંચમાં ભરીને ઊડતો હતો ખરો પણ, એ તેમને ક્યાં લઇ જતો હતો ખબર છે? એ તેમને ચાંચમાં ભરીને, તળાવથી થોડે દૂર એક મોટા ખડક પર (ખડક એટલે કાળો, વિશાળકાય પથ્થર!) લઇ
જતો અને ત્યાં બેસીને આ માછલીઓ, દેડકા કે નાના કરચલાઓને પોતાનું ભોજન બનાવતો હતો. અને તેમનાં હાડકાં ત્યાં જ ફેંકી તળાવ પર પાછો આવી બધાને ખોટું-ખોટું કહેતો કે, પેલા મોટા તળાવમાં તો બધા ખુબ આનંદ કરી રહ્યા છે. તળાવનાં જીવો તેની વાત માની, બગલાનો આભાર માનતા પોતાનો વારો ક્યારે આવે તેની રાહ જોતા!

આ તો હવે રોજનું થયું, જયારે-જયારે બગલો ભૂખ્યો થાય, ત્યારે-ત્યારે એ પેલા મોટા તળાવમાં લઇ જવાનાં બહાને માછલીઓને પોતાની ચાંચમાં ભરીને લઇ જતો અને તેમનો કોળીયો કરી જતો.
આવું લાંબો સમય ચાલ્યું. અત્યાર સુધીમાં તો હવે બગલો આ તળાવની મોટાભાગની માછલીઓ, દેડકા અને નાના કરચલા ખાઈને તાજોમાજો થઇ ચુક્યો હતો.

એક કાળા ખડક પાસે માછલીઓના હાડકાં વચ્ચે, ગુસ્સે ભરાયેલો કરચલો બગલાની ડોક પકડી રહ્યો છે

હવે વારો આવ્યો પેલા વૃદ્ધ, સમજુ કરચલાનો! વૃદ્ધ કરચલો નવા ઘરમાં જવા માટે ઘણો ઉત્સુક હતો. તે વિચારી રહ્યો હતો કે, “હાશ! હવે હું મારા પરિવાર અને મિત્રો સાથે નવા, મોટા ઘરમાં આનંદથી જીવન પસાર કરીશ.”
આ બાજુ મનમાં રાજી થતો બગલો વિચારી રહ્યો હતો કે, “આવ, આવ મૂર્ખ કરચલા! આજે મને પણ થોડી અલગ વાનગી ખાવાનો આનંદ આવશે. રોજ-રોજ એકસરખું ભોજન ખાઈને હું પણ ઉબાઈ ગયો છું! (ઉબાઈ જવું એટલે ખબર છે ને? કંટાળી જવું કે એકનું એક ખાઈને અરુચિ થવી)”

હવે, બગલો તો કરચલાને ઉપાડી અને પેલા મોટા ખડક તરફ ઉડવા લાગ્યો. કરચલો પણ મનમાં ખુશ થતો પોતાનું નવું ઘર જોવા મળે તેનાં ઉત્સાહમાં નીચે આમ-તેમ જોવા લાગ્યો. અધીરો બની એ તો હવે ક્યારે મોટું તળાવ દેખાય અને ક્યારે તેનાં પરિવારજનો અને મિત્રો તેને આવકારે તેની રાહમાં ચારે તરફ નજર દોડાવે છે. પણ, દૂર-દૂર સુધી ક્યાંય કોઈ તળાવ કેમ નથી દેખાતું? અને આ શું? નીચે એક મોટો, કાળો ખડક છે ને તેના પર આ શું પડ્યું છે? અરે, આ તો માછલીઓના હાડકાં!? આખા ખડક પર આમ-તેમ વિખરાયેલા માછલી વગેરેનાં હાડકાં જોઇને અનુભવી અને હોશિયાર એવો કરચલો આખી વાત સમજી ગયો.

હવે, બગલો જેવો ખડક તરફ નીચે ઉતરવા લાગ્યો કે તરત જ, કરચલાએ
પોતાનાં કાતર જેવા ધારદાર પંજા વડે બગલાની ડોક કચકચાવીને પકડી લીધી. બગલો આમ-તેમ જટકા મારી પોતાનું ગળું છોડાવવા માટે પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ, કરચલો એટલો ગુસ્સે ભરાયેલો હતો કે, તેણે બગલાની ડોક પર પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી. છેવટે દુષ્ટ બગલાની ડોક મરડાઈ ગઈ અને મરેલો બગલો જમીન પર પટકાઈ પડ્યો.

ત્યારબાદ, કરચલો ત્યાંથી ધીમે-ધીમે ચાલીને પોતાના તળાવ સુધી પાછો ફર્યો. આવીને તેણે બધાને બગલાની દુષ્ટતા અને તેનાં બદ્દઈરાદા વિશે જણાવ્યું. તેમજ પોતે કઈ રીતે બગલાથી પોતાનો બચાવ કર્યો એ વાત પણ કહી સંભળાવી. તળાવનાં બધા જીવોએ સમજુ કરચલાનો આભાર માન્યો અને તેની બહાદુરીનાં વખાણ કરતા તેને બિરદાવવા લાગ્યા.

આમ, કરચલાની ત્વરિત વિચાર કરી શકવાની શક્તિ, ધૈર્ય અને તેની બહાદુરી વડે તેનો તથા તળાવનાં બીજા ઘણાં જીવોનો દુરાચારી બગલાથી બચાવ થઇ શક્યો!

બોધ

અતિ લોભનું પરિણામ હંમેશા ખરાબ આવે છે, અને મુસીબતના સમયે ધીરજ તથા બુદ્ધિથી કામ લેવું જોઈએ.

આ વાર્તા અલગ પાને વાંચો →

લપલપિયો કાચબો – પંચતંત્રની વાર્તા | ગુજરાતી બાળવાર્તા

ચાલો, આજે એક નવી બાળવાર્તા (fun story for kids in Gujarati) વાંચીએ.

ણા લાંબા સમય પહેલાંની વાત છે. એક સરસ મજાનું તળાવ હતું. આ તળાવમાં રહેતો હતો એક કાચબો. કાચબો ભારે વાતોડિયો. જે મળે તેની સાથે અલક-મલકની વાતો કરે. આખો દિવસ બસ બોલ-બોલ કર્યા કરે. એક મિનીટ માટે પણ મોઢું બંધ રાખવાનું તેને ન ફાવે. કાચબાને ઘણાં મિત્રો, તેમાં પણ તેનાં ખાસમખાસ દોસ્ત હતા બે કલહંસ! કલહંસ એટલે બતક અને હંસનાં જ પરિવારનું એક પક્ષી છે, તો તમને પ્રશ્ન થશે કે, ખબર કેમ પડે કે આ હંસ છે કે કલહંસ? તો બાળમિત્રો, હંસને એકદમ સફેદ રૂ જેવી પાંખ અને પીંછા હોય અને લાંબી, સુંદર ડોક હોય, જયારે કલહંસ ને શરીરે નાના કાળા પીંછા હોય અને તેની ડોક ટૂંકી હોય! હવે બીજા મિત્રોને પણ આ કહેજો, હો ને?

ચાલો આપણી વાર્તામાં આગળ વધીએ… તો, કાચબાને એ બે કલહંસ સાથે બહુ ગાઢ મિત્રતા હતી. બંને કલહંસ દૂર દૂરનાં પ્રદેશોમાં જઈ, આ તળાવ પાસે પાછા ફરતા. આવીને તેઓ એમના અનુભવો કહે અને કાચબાને એ સાંભળવાની બહુ મજા પડે.

દૂરનાં પ્રદેશોની વાતો સાંભળી કાચબાને પણ એ જોવાનું મન થતું અને એ વિચારતો કે, “કાશ, હું પણ ઉડી શકતો હોત તો કેટલું સારું થાત! હું પણ મારા મિત્રોની સાથે જંગલ, નદી, પહાડ, વાદળ આ બધું નજીકથી જોઈ શકતો હોત.” આવું વિચારતો એ ફરી મિત્રો સાથે વાતોમાં મશગૂલ થઇ જતો. આમ, ત્રણેય મિત્રો આનંદથી રહેતા હતા.

એક વખતની વાત છે કે, લાંબા સમય સુધી વરસાદ ન થયો એટલે દુષ્કાળ પડ્યો. તેને લીધે નદી, સરોવર, તળાવ સુકાવા લાગ્યા. કાચબો રહેતો હતો તે તળાવમાં પણ બહુ જ ઓછું પાણી બચ્યું હતું. એકબાજુ ખાવા-પીવાની તંગી, ઉપરથી જીવલેણ તાપ!

દુકાળને કારણે સુકાઈ ગયેલા તળાવમાં ઉદાસ બેઠેલો કાચબો અને તેને સાંત્વના આપતા બે કલહંસ મિત્રો.

આવી પરિસ્થિતિમાં પશુ-પક્ષી હેરાન, પરેશાન થઇ ગયા હોવાથી, તેમણે બીજા કોઈક ફળદ્રુપ પ્રદેશમાં જવાનું નક્કી કર્યું. જ્યાં તેમને જીવવા માટે પૂરતો ખોરાક અને પાણી મળી રહે અને તેઓનો જીવ બચી જાય. કાચબો અને કલહંસ પણ જીવ બચાવવા માટે હિજરત કરી બીજી જગ્યાએ જવું જ પડશે એ વાત સમજી ગયા. તેમણે દૂરનાં એક તળાવમાં રહેવા જવાનું નક્કી કર્યું કે જ્યાં ભરપૂર પાણી અને ખોરાકની સુવિધા હતી.

બંને કલહંસ માટે તો એ દૂરનાં તળાવ સુધી ઉડીને જવું એ રમત વાત હતી પણ, સમસ્યા એ હતી કે કાચબો ત્યાં સુધી કેવી રીતે પહોંચે? એ ત્યાં પગપાળા પહોંચે એ વાત તો સાવ અશક્ય જ હતી. કોઈ ઉપાય ન મળવાથી બિચારો કાચબો તો નિરાશ થઇ ગયો.

ત્રણેય મિત્રો મળીને આનો કોઈક ઉપાય શોધવા લાગ્યા. કલહંસ પોતાના મિત્રને એકલો છોડીને જવા તૈયાર ન હતા. ઘણો વિચાર કર્યા પછી અચાનક એક કલહંસને કોઈ ઉપાય સુઝ્યો. તેણે કહ્યું, “મને એક યુક્તિ સુઝે છે કે, આપણે એક લાકડી લઈએ. એ લાકડીને કાચબાભાઇ તેનાં મોઢામાં પકડી લે અને ત્યારપછી આપણે બંને ચાંચ વડે લાકડીને એક-એક છેડેથી પકડી ધીમે-ધીમે ઉડીને એ દૂરનાં તળાવ સુધી પહોંચી જઈએ. શું કહો છો મિત્રો?” આવો અદ્ભુત ઉપાય સાંભળીને કાચબો અને બીજો કલહંસ તો રાજીનાં રેડ થઇ ગયા. યુક્તિ તો બહુ સરસ હતી પણ, તેને સફળ બનાવવી હોય તો, એકમાત્ર શરત હતી કે લપલપ કરવાની ટેવ ધરાવતા કાચબાએ પોતાનું મોં બંધ રાખવું પડે. કાચબો તો સમજી ચુક્યો હતો કે આ એક જ ઉપાય છે જેના વડે તેનાં મિત્રો તેને નવી જગ્યાએ લઇ જઈ શકે તેમ હતા. આથી, કાચબાએ તેનાં મિત્રોને વચન આપ્યું કે, દૂરનાં તળાવ સુધી ન પહોંચે ત્યાં સુધી તે ચુપ રહેશે.

પછી તો, આ તળાવને વિદાય આપી દૂરદેશ માટે મુસાફરી શરુ કરવાનો દિવસ પણ આવી ગયો. એક વહેલી સવારે ત્રણેય મિત્રો તૈયાર થઇ ગયા. કાચબો તો ખુબ ખુશ હતો કે છેવટે તેને નવી જગ્યાઓ જોવાનો મોકો મળ્યો પરંતુ, બંને કલહંસ થોડા ચિંતિત હતા. કલહંસોએ કાચબાને ફરી એક વખત ચેતવણી આપતા કહ્યું, “જો મિત્ર આપણે દૂરનાં તળાવ સુધી પહોંચતામાં ઊડીને ઘણી જગ્યાઓ પરથી પસાર થઈશું. બસ તું એક વાત ખાસ ધ્યાનમાં રાખજે કે, કંઈ પણ કેમ ન થઇ જાય તારે તારું મોં ખોલવાનું નથી.” ઉત્સાહમાં ને ઉત્સાહમાં કાચબાએ હકારમાં માથું ધુણાવ્યું. નક્કી થયા મુજબ બંને કલહંસો એ લાકડીનાં એક-એક છેડાંને પોતાની ચાંચ વડે પકડી લીધો અને કાચબો લાકડીનાં વચ્ચેના ભાગને મોં વડે પકડી તેમાં લટકાઈ ગયો. અને કલહંસ તો ઉડ્યા ફર્રર્રર કરીને ઉંચે આકાશમાં! તળાવ ખાસ્સું દૂર હતું પણ, કલહંસ જેનું નામ, પાંખોનાં એક-એક ઝપાટા સાથે એ તો ઉંચે ને ઉંચે ઉડવા લાગ્યા.

નીચે પસાર થતી ખીણ, પહાડ, મેદાન વગેરે જોઇને કાચબો તો દંગ જ રહી ગયો. ઠંડી હવાની લહેરખીઓની મજા લેતો કાચબો નીચેથી પસાર થતા દ્રશ્યો મન ભરીને માણી રહ્યો હતો તેવામાં ઉડતા-ઉડતા તેઓ એક ગામ પરથી પસાર થયા. ગામના લોકો માટે તો આ જાણે નવું જ જોણું!! “અરે, આ શું નવી નવાઈ છે ભાઈ??” ગામલોકો ટોળે વળી એકબીજાને પુછવા લાગ્યા, આંગળી ચીંધી એકબીજાને આ કૌતુક બતાવવા લાગ્યા. તાળીઓ પાડી, મોટેથી હસતા અમુક તો કાચબાને લઈને ઉડતા કલહંસ તરફ જોઈ ચિચિયારીઓ પાડવા લાગ્યા. લોકોનો આવો વિચિત્ર વ્યવહાર જોઈ કાચબાને તો ભારે માઠું લાગ્યું.

બે કલહંસો સાથે આકાશમાં ઉડતો કાચબો જેણે લાકડી મોંમાં પકડી રાખી છે.

ઘોંઘાટ કરતા લોકોને જોઈ ગુસ્સે ભરાયેલા કાચબાએ મગજ પરનો કાબૂ ગુમાવ્યો અને તેણે લોકોને સમજાવવાનું નક્કી કર્યું. પણ, આ શું?? ભાન ભૂલેલા કાચબાએ જેવું ગામલોકો સાથે વાત કરવા મોં ખોલ્યું કે મોઢામાં પકડેલી લાકડી છૂટી ગઈ અને કાચબો તો સરરરર ઊંચેથી ધબ્બ કરતો આવી પડ્યો જમીન પર!

જોતજોતામાં કાચબાનાં રામ રમી ગયા!! કલહંસ બિચારા કંઈ સમજી શકે તે પહેલા તો આ બધું બની ગયું. મિત્રનાં આવા અચાનક મૃત્યુથી ઉદાસ થઇ ગયેલા કલહંસ એમનાં માર્ગે આગળ વધી ગયા. એ તો જાણી જ ન શક્યા કે એમનાં મિત્રનું મૃત્યુ કઈ રીતે થયું પણ, આપણે તો એ જાણીએ છીએ, ખરું ને? કાચબાએ તેનો જીવ પોતાની મૂર્ખતા અને અણસમજુ, અધીરા સ્વભાને લીધે ખોયો!! મિત્રોએ આપેલી સલાહ માનીને મોઢું બંધ રાખ્યું હોત તો કાચબો તેના મિત્રો સાથે એ દૂરનાં તળાવે પહોંચી ગયો હોત…

બોધ

હંમેશા સારા સલાહકારોની વાત માનવી જોઈએ અને યોગ્ય સમયે મોં બંધ રાખતા શીખવું જોઈએ.

The End.

આ વાર્તા અલગ પાને વાંચો →

નીલરંગી શિયાળ – ગુજરાતી બાળવાર્તા

ચાલો, આજે એક નવી બાળવાર્તા વાંચીએ – પંચતંત્રની મજાની વાર્તા!

હુ વખત પહેલાની વાત છે. એક સુંદર મજાનું જંગલ હતું. જંગલમાં અનેક પ્રકારનાં વૃક્ષો અને પશુ-પક્ષીઓ હતા. આ જંગલની નજીકમાં જ એક નાનકડું ગામ પણ હતું. અહીં જંગલમાં ચંડરવ નામે એક શિયાળ રહેતું હતું. તમને થશે આ તે કેવું નામ? પણ બાળમિત્રો, પંચતંત્રની વાર્તાઓ સંસ્કૃત ભાષામાં લખાઈ છે એટલે તેમાં આવતા નામ પણ સંસ્કૃત જ હોવાના, બરાબર ને? તો, સંસ્કૃતમાં चण्ड=તીવ્ર કે કર્કશ અને रव= અવાજ. આ શિયાળ ખૂબ કર્કશ અવાજમાં લાળી કરતું, એટલે તેનું નામ હતું ચંડરવ! શિયાળ તો સાવ ભૂખ્ખડ અને એક નંબરનું આળસુ. શિકાર કરવા માટે મહેનત કરવી તેને ન ગમે. એ તો રોજ જંગલમાં આમ તેમ ભટક્યા કરે અને જો નસીબ સારા હોય તો, કોઈ મોટા પ્રાણીએ શિકાર કર્યો હોય, તેમાંથી થોડું કંઈ બચ્યું હોય એ મળી જાય તો ચંડરવ એ ખાઈને આનંદમાં રહે.

એક સાંજે ચંડરવને ખૂબ ભૂખ લાગી. બહુ ભટકવા છતાં, તેને જંગલમાં ક્યાંય ખાવાનું ન મળ્યું, એટલે એ હિંમત કરીને નજીકના ગામમાં ઘુસી ગયું. હવે, ગામમાં તો હોય ગલીના કૂતરા!

જેવું શિયાળ ગામમાં દાખલ થયું, એવું જ કૂતરાઓનું એક ટોળું ભસતું-ભસતું એની પાછળ પડ્યું, ભૌં! ભૌં! ભૌં! ભૌં!

ગભરાઈ ગયેલ ચંડરવ હતી એટલી તાકાત એકઠી કરીને માંડ્યું દોડવા. સાંકડી ગલીઓમાં અથડાતું-કૂટાતું ચંડરવ જાય ભાગ્યું! અંતે, ભાગતા-ભાગતા એ દીવાલ કૂદીને એક ઘરના આંગણામાં આવી પડ્યું. એ એક રંગારા (કપડાં રંગવાવાળા)નું ઘર હતું એટલે અહીં એના ફળિયાની વચ્ચોવચ્ચ, કપડાં રંગવા માટે ગળી (indigo) જેવા વાદળી રંગથી ભરેલો એક મોટો કુંડ પડ્યો હતો. કૂતરાઓથી બચવા માટે, ગાંડાની જેમ દોડતું ચંડરવ, સંતુલન ખોઈને સીધું જઈ પડ્યું એ કુંડમાં- છપ્પાક!!

શિયાળ નીલા રંગના પીપમાં ખાબકે છે

કૂતરાં ચાલ્યા ગયા છે એવી ખાતરી થતાં, થોડી વાર પછી ચંડરવ અકળાઈને રંગથી ભરેલા કુંડમાંથી બહાર નીકળ્યું. ધીમેથી ગલીમાં આવીને જુએ તો, કૂતરાં હજી તેના આવવાની રાહ જોઈને આસપાસ જ ભટકી રહ્યા હતા. ચંડરવે કુતરાઓને જોયાં અને કૂતરાઓએ તેની સામે જોયું પણ, આ શું? ચંડરવ સામે ભસવાને બદલે કે તેની પાછળ ભાગવાને બદલે કુતરા જાણે તેનાથી ડરવા લાગ્યા. ચંડરવ પણ અચંભામાં પડી ગયું કે, આ શું થઇ રહ્યું છે?

કૂતરાં આવા વિચિત્ર વાદળી રંગનાં પ્રાણીને પહેલી જ વખત જોઈ રહ્યા હતા. એ તો ડરના માર્યા, જીવ બચાવવા ત્યાંથી પૂંછડી દબાવીને ભાગી જ ગયા. થોડો વિચાર કરીને ચંડરવ જુએ તો તેનાં પગ વાદળી રંગનાં. જંગલના રસ્તે જતાં તળાવમાં જોયું તો તેનું આખું પ્રતિબિંબ જ નીલરંગી!

ચંડરવ જંગલમાં પાછો ફર્યો. જંગલના પ્રાણીઓએ જ્યારે આ અનોખા નીલરંગી પ્રાણીને જોયું, ત્યારે બધાં તેનાથી ડરવા લાગ્યા. હાથી, સિંહ, વાઘ, હરણ, વાંદરા, સસલાં બધાં દૂર ભાગવા લાગ્યાં! કોઈએ આવું વિચિત્ર વાદળી પ્રાણી જંગલમાં પહેલા ક્યારેય જોયું જ નહોતું.

ચંડરવ હતું તો શિયાળ, એટલે એ તો બહુ ચતુર! એણે પ્રાણીઓનો ડર જોઈને એક ધમાકેદાર નાટક કરવાનો વિચાર કર્યો.

ગંભીર અવાજે બૂમ પાડી એ બોલ્યું, “હે જંગલના પ્રાણીઓ! ડરશો નહીં! મને બ્રહ્માજીએ પોતે તમારા રક્ષણ માટે સ્વર્ગમાંથી અહીં મોકલ્યો છે! આજથી હું તમારો રાજા છું!”

પ્રાણીઓએ વિચાર્યું, ‘વાહ! સ્વર્ગમાંથી આવેલો નીલો રાજા!’ સિંહ અને વાઘ જેવા ખતરનાક હિંસક પ્રાણીઓ સહીત બધા જ એના ચરણોમાં નમી પડ્યાં!

બસ, પછી તો ચંડરવને જલસા થઈ ગયા. દરરોજ સિંહ, વાઘ, રીંછ, વરુ વગેરે તેના માટે તાજો શિકાર કરી લાવે, અને ચંડરવ આરામથી રાજભોગ આરોગે! હવે ચતુર ચંડરવે જંગલનાં બધા શિયાળને દેશવટો આપી દીધો એટલે કે, તેણે બધા જ શિયાળને જંગલમાંથી બહાર હાંકી કાઢ્યા. તેનું કારણ એ કે જો કોઈ શિયાળ તેને ઓળખી જાય તો તો, આ નીલા રાજાની પોલ ખૂલી જાય.

ઘણા મહિનાઓ સુધી આ નાટક ચાલ્યું. પણ આખરે જુઠ્ઠાણું ક્યાં સુધી છુપાઈ રહે?

પૂનમની એક સુંદર, અજવાળી રાતે, આકાશમાં ગોળ-મોટો ચાંદો ખીલ્યો હતો. જંગલથી દૂર બધા શિયાળ ભેગા મળીને મોટેથી લાળી કરી રહ્યા હતા.. “આઉઉઉઉ! આઉઉઉઉ!”

પવનની દિશા જંગલ તરફની હોવાથી, જાતભાઈઓનો આ તીવ્ર અવાજ પોતાના આસન પર આરામ કરતા ચંડરવને કાને પડ્યો. કોઈ કેટલુંયે ચતુર હોય, પોતાની જાતને ગમે તેટલી હોશિયાર બતાવે, પણ પોતાના મૂળ લક્ષણો કે જન્મજાત સ્વભાવ થોડા બદલાય? રાત પડે ને લાળી કરવી એ તો શિયાળનો મૂળભૂત સ્વભાવ! એટલે જ દૂરથી આવતો લાળીનો અવાજ સાંભળીને ચંડરવ પોતાના પરનો કાબૂ ગુમાવી બેઠો! એનું મોં આપમેળે ઊંચું થઈ ગયું અને એ પણ મોટેથી ગાવા લાગ્યો- “આઉઉઉઉ! આઉઉઉઉ!” …. “આઉઉઉઉ! આઉઉઉઉ!”

એનો અસલી અવાજ સાંભળતાં જ સિંહ, વાઘ અને બીજા બધા પ્રાણીઓ ચોંકી ગયા!

“અરે! આ તો શિયાળ છે! તેણે વાદળી રંગ લગાવીને આપણને મૂર્ખ બનાવ્યા!”

નીલો શિયાળ જંગલનો રાજા બની બેસે છે

“એક તુચ્છ શિયાળે નાના-મોટાં પ્રાણીઓ સહીત જંગલનાં રાજાને પણ મૂર્ખ બનાવ્યો!!” આ વાતે સિંહના ગુસ્સાનો પાર ન રહ્યો. જંગલનો રાજા ગર્જ્યો, તેણે પંજાની એક જ થપાટ મારી અને ત્યાં ને ત્યાં જ દગાબાજ શિયાળનો ખેલ ખતમ થઈ ગયો!

બોધ

કોઈને છેતરીને કે જુઠ્ઠું બોલીને મેળવેલું પદ વધારે સમય ટકતું નથી. માણસ ગમે તેટલો દેખાડો કરે, પણ એનો અસલી સ્વભાવ આખરે બહાર આવી જ જાય છે!

આ વાર્તા અલગ પાને વાંચો →

સિંહ અને સસલું – ગુજરાતી બાળવાર્તા

ચાલો, આજે પંચતંત્રની મજાની એક વાર્તા વાંચીએ!

હુ વખત પહેલાની વાત છે. એક ગાઢ જંગલ હતું. આ જંગલમાં એક વિશાળકાય, ભયંકર સિંહ રહેતો હતો. નામ તેનું ભાસુરક!

ખબર છે આ ભાસુરક કેવો હતો?

એ કોઈ જેવો-તેવો સિંહ નહીં, પણ એ જંગલનો રાજા હતો. સોનેરી કેશવાળીથી લદાયેલું તેનું વિકરાળ માથું, ગુસ્સાથી વિકૃત બની જતો તેનો કરડાકીભર્યો ચહેરો, લોખંડનાં બનેલા હોય તેવા તેના પંજા અને તેમાં છરી જેવા તીક્ષ્ણ નહોર અને સૌથી ભયાનક એની ગર્જના! ભાસુરક એક ત્રાડ પાડે અને જાણે જંગલ આખું થીજી જતું.

એ માત્ર ડરામણો જ નહીં પરંતુ, સ્વભાવે ખૂબ હિંસક અને ક્રૂર પણ હતો. રોજ સવાર પડે અને એ શિકાર કરવા નીકળી પડે. ભૂખ હોય કે ન હોય એ વગર કારણે કેટલાએ પશુઓનો એક સામટો શિકાર કરે. હરણ, સસલાં, શિયાળ, બકરાં, ડુક્કર જે દેખાય તેને મારી નાખે! અને તેમાંથી ખાય કેટલાને? એક કે બેને. અને મારે કેટલાને? દસ-બારને! બાકીના બિચારા એમ જ પોતાનો જીવ ગુમાવે.

ભાસુરકની આવી ઘાતકી, દયાહીન વૃત્તિને કારણે જંગલનાં બધા પશુ-પક્ષીઓ ખૂબ દુઃખી હતા. તેઓ ક્યાં જાય? ક્યાં ભાગે? આ તો એમનું ઘર! એક દિવસ બધાં ભેગાં થયાં. હાથી, હરણ, સસલાં, શિયાળ, વાંદરા, મોર, પોપટ, ગીધ, બગલા એમ પશુ-પક્ષી બધાં જ આવ્યા. એક વૃદ્ધ હાથીએ કહ્યું, “ભાઈઓ, આમ જ ચાલ્યું તો, ભાસુરક આખું જંગલ ખાલી કરી નાખશે. આપણે સૌએ સાથે મળીને આના વિશે કંઈક કરવું પડશે.”

જંગલના પ્રાણીઓની સભા - પંચતંત્ર બાળવાર્તા

ઘણી ચર્ચા પછી એક પ્રસ્તાવ નક્કી થયો. બધાં મળીને ભાસુરક પાસે ગયાં. પ્રાણીઓએ હાથ જોડીને કહ્યું, “મહારાજ, અમે આપની પ્રજા છીએ. અમારી એક વિનંતી છે. આપ રોજ શિકારે નીકળો છો, તેમાં એકસાથે ઘણાં બધાં પ્રાણીઓ મરે છે. અને આમ કરવામાં આપને કેટલી મહેનત કરવી પડે છે. એના બદલે અમારો એક પ્રસ્તાવ છે…”

ડરતાં-ડરતાં એમણે વાત આગળ વધારી કે, “…અમે દરરોજ એક પ્રાણી આપના ભોજન તરીકે આપની ગુફામાં જ મોકલી આપીએ જેથી કરીને મહારાજે ભોજન માટેની ભાગદોડ કે ખોટી મહેનત ન કરવી પડે. ટાઢ, તાપ કે વરસાદ કંઈ પણ હોય તમારે ભોજનની ચિંતા જ ન રહે. આપ અમારી આ વિનંતી સ્વીકાર કરવાની કૃપા કરો.”

ભાસુરકને પ્રસ્તાવ તો ગમી ગયો. તેણે વિચાર્યું કે ‘આ સારું.. મારે પ્રાણીઓની પાછળ ભાગીને, તેને પકડવાની મહેનત નહીં કરવી પડે.’ છતાં એ ગર્જીને બોલ્યો, “તમે બધા કહો છો એટલે પ્રસ્તાવ તો હું મજૂર રાખું છું, છતાં એ યાદ રાખજો કે કોઈ એક પણ દિવસ મને ભોજન ન મળ્યું તો, હું આખા જંગલને ખતમ કરી નાખીશ!”

એ દિવસથી રોજ એક પ્રાણી ભાસુરકની ગુફામાં જાય. બિચારાં! જાણતાં કે પાછા ફરવાનું નથી; એ પ્રાણી ડરે, ઘરનાં રડે, પણ શું થાય? રોજ કોઈનો વારો તો આવે જ.

આ વ્યવસ્થા ભાસુરકને ફાવી ગઈ. તેને ઘરે બેઠાં, ભરપેટ ભોજન મળવા લાગ્યું. જંગલનાં પ્રાણીઓને પણ થોડી રાહત થઇ કે, હવે એકસાથે અનેક પ્રાણીઓનો શિકાર થતો અટકી ગયો હતો.

આમ કરતાં એક દિવસ વારો આવ્યો એક નાનકડા સસલાનો!

સસલું તો ટચૂકડું, પણ ભારે હોશિયાર! સસલું જાણતું જ હતું કે, જે સિંહની ગુફામાં દાખલ થાય, એ સીધું જ મોતનાં મોંમાં જાય!

પણ ડરે એ બીજા!

જંગલનાં બીજા પ્રાણીઓ ભારે મનથી તેને વિદાય આપવા આવ્યા. બહાદુર સસલાએ એ બધાને ખૂબ શાંતિથી કહ્યું કે, “મિત્રો! કોઈએ મને ગુફા સુધી મૂકવા આવવાનું નથી. હું ભાસુરક પાસે મારી રીતે જ જઈશ.”

આમ, સસલું ચાલ્યું ભાસુરકની ગુફા તરફ. એ તો સાવ ધીમે-ધીમે, ટહેલતા-ટહેલતા ચાલ્યું જાય. રસ્તાની બાજુ પર ઊગેલા સુંદર ફૂલો સૂંઘે, ઝાડ નીચે આરામ કરે, વળી પડ્યું-પડ્યું આકાશમાં વાદળા ગણે. આમ કરતાં બપોર થઇ ગઈ. હવે, જંગલમાં ચાલતા-ચાલતા સસલાએ રસ્તામાં એક કૂવો જોયો. કુતૂહલવશ તેણે કુવામાં ઉપરથી ડોકિયું કર્યું તો સામે પોતાનું આબેહૂબ પ્રતિબિંબ! અચાનક આ શાણા સસલાનાં મનમાં એક વિચાર ઝબૂક્યો. ત્યાં ને ત્યાં જ તેણે ભાસુરકનાં ત્રાસમાંથી કાયમ માટે છુટકારો મળે તેવી એક યોજના ઘડી કાઢી.

આ બાજુ ભાસુરક ભૂખથી ગાંડો થઈ ગયો હતો. રોજ સવાર પડે એટલે તેનું ભોજન અચૂક રીતે આવી જ જાય અને આજે?? બપોર ઢળવા લાગી હતી અને છતાં એક પણ પ્રાણી ગુફાની આસપાસ નહોતું દેખાતું. ભાસુરક ગુફામાં આમ-તેમ આંટા મારી, મોટી ત્રાડો પાડીને ગુસ્સામાં જમીન પર પંજા પછાડવા લાગ્યો.

એવામાં સસલું હળવેથી ગુફાના દરવાજે આવ્યું. ભાસુરકે જોયું, આ શું? મારું ભોજન, એક ટચૂકડું સસલું! બસ?

“એ…..ય! આટલું મોડું કેમ થયું? જંગલનાં પ્રાણીઓએ મારા ભોજન તરીકે તને એકલાને કેમ મોકલ્યું છે?” ભાસુરક ગર્જ્યો. “આ તો મારું અપમાન છે… આજે હું આખા જંગલનાં તમામ પ્રાણીઓને ખતમ કરી નાખીશ!”

સસલાએ પોતાની યોજના મુજબ ધ્રુજતા અવાજે કહ્યું, “મ-મ-મહારાજ, માફ કરી દો! મોડો-મોડો પણ હું એકલો આવ્યો છું, એમાં મારો કોઈ વાંક નથી. મારું આવું નાનકડું શરીર આપની ભૂખ ન સંતોષી શકે એ જાણતાં જંગલનાં પ્રાણીઓએ મારી સાથે બીજા ચાર સસલાં પણ મોકલ્યા હતા. અમે પાંચેય સવારે આપની ગુફા તરફ આવવા નીકળ્યા. રસ્તામાં એક બીજી ગુફા આવી….”

સિંહ વાત ધ્યાનથી સાંભળી રહ્યો છે એ જોઈને, સસલાએ રડમસ અવાજમાં વાત આગળ વધારતા કહ્યું, “… એ ગુફામાંથી એક વિશાળકાય, બિહામણો સિંહ બહાર આવ્યો અને તેણે અચાનક હુમલો કરીને અમારામાંથી ચાર સસલાને ઝડપી લીધા. મને એકને જ જીવતો છોડીને તેણે તાડુકીને કહ્યું, “જા અને પોતાને રાજા કહેતા એ ભાસુરકને જઈને કહી દે કે આ જંગલનો એક જ રાજા છે અને એ હું છું… અને આ જંગલ મારું છે! તેને કહેજે કે જો એ મારી સામે આવશે તો, હું તેને મચ્છરની જેમ મસળી નાખીશ.”

આટલું સાંભળતાં જ ભાસુરક ગુસ્સાથી લાલપીળો થઇ ગયો. સળગતા અંગારા જેવી લાલ આંખે સસલા તરફ જોઈને એ ગર્જ્યો, “મારા જંગલમાં બીજો સિંહ, એમ? ક્યાં છે એ કાયર? મને અત્યારે જ તેની પાસે લઇ જા… આજે જ તેનો ખેલ ખતમ કરી નાખું!”

“ચાલો, મહારાજ,” સસલાએ કહ્યું, “હું બતાવું.”

આમ કહી સસલું આગળ ચાલ્યું અને તેની પાછળ-પાછળ ધરતી ધ્રુજાવતો ભાસુરક!

યોજના અનુસાર સસલું ભાસુરકને જંગલમાં પેલા કુવા સુધી દોરી લાવ્યું. ત્યાં પહોંચીને તેણે દબાયેલા અવાજમાં ભાસુરકને કહ્યું, “મહારાજ! અહીંથી આગળ હવે જોખમ છે.. પેલો સિંહ આ સામે દેખાય છે એ કિલ્લા જેવી મજબૂત ગુફામાં છુપાયેલો છે. એ બહુ શક્તિશાળી છે.. તેને હરાવવો મુશ્કેલ છે.”

સસલાની આવી વાત સાંભળીને ઘમંડી ભાસુરક વધુ ઉશ્કેરાઈ ગયો. મોટી છલાંગ લગાવીને એ કૂવાની પાળી પર ચઢી ગયો અને ડોકિયું કરીને અંદર જોવા લાગ્યો.

આ શું? કૂવાની અંદર ખરેખર એક મોટો, ખૂંખાર સિંહ! એ વિકરાળ સિંહ ગુસ્સાથી તેને જ જોઈ રહ્યો છે.

(મિત્રો, ખબર છે ને એ કોણ હતું? એ તો ભાસુરકનું જ પ્રતિબિંબ હતું! પણ ભાસુરકને ક્યાં ખબર?)

ગર્જના કરતા ભાસુરક કૂવાની અંદર દેખાતા સિંહને કહેવા લાગ્યો, “તું મને પડકારે છે? તારી એટલી હિંમત??”

સામેથી તેનાથી પણ મોટા અવાજમાં આ જ વાત ફરી સંભળાઈ.

(ભાસુરકને શું ખબર કે આ તેનો જ અવાજ હતો જે કૂવાની દીવાલ સાથે અથડાઈને મોટા પડઘા સ્વરૂપે સંભળાતો હતો!)

ભાસુરકનો ગુસ્સો જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો. કંઈ વિચાર્યા વિના એ ધબ્બ કરતો કુવામાં કૂદી પડ્યો!

કૂવાનાં ઊંડા પાણીમાં ડૂબીને ક્રૂર ભાસુરકનાં રામ રમી ગયા.

આખા જંગલને નિર્દય ભાસુરકનાં ત્રાસમાંથી મુક્તિ મળી એ જોઈને મનમાં હરખાતું સસલું ધીમે-ધીમે જંગલમાં પાછું ફર્યું. આવતાં જ તેણે કહ્યું “ઉત્સવ મનાવો… ભાસુરક તો ગયો!.. હવે કોઈએ ડરવાની જરૂર નથી.” બધાં પ્રાણીઓને પહેલા તો આખી વાત માનવામાં જ ન આવી કે આવડા અમથા સસલાએ એ ભયંકર સિંહને કેવી રીતે હરાવ્યો!? પણ જ્યારે બધાંએ કૂવા પાસે જઈને જોયું, ત્યારે ખાતરી થઈ ગઈ.

ચતુર સસલાનો આભાર માનતા પ્રાણીઓની ખુશખુશાલ ચિચિયારીઓ વડે આખું જંગલ ગૂંજી ઊઠ્યું!

બોધ - કદ ગમે તેટલું નાનું કેમ ન હોય, શાંત મન અને ચતુરાઈભરી યોજના સૌથી શક્તિશાળી શત્રુને પણ હરાવી શકે છે. ઘમંડ અને ગુસ્સો કરનાર હંમેશા પોતાનું નુકસાન જ નોતરે છે.

આ વાર્તા અલગ પાને વાંચો →

વાંદરો અને મગર – ગુજરાતી બાળવાર્તા

ચાલો, આજે એક નવી બાળવાર્તા વાંચીએ. પંચતંત્રની આ મજાની વાર્તા મારા વ્હાલા વાચક મિત્રો માટે!

ણાં સમય પહેલાની વાત છે. એક સુંદર, વિશાળ એવી પાણીથી છલોછલ ભરેલી નદીને કાંઠે એક મોટું જાંબુનું ઝાડ હતું. (જાંબુ ખબર છે ને? પેલું ગોળ કે લંબગોળ, થોડું નરમ, મીઠાં - તૂરાં સ્વાદવાળું એકદમ જાંબુડિયા અને ક્યારેક તો કાળા રંગનું દેખાય એવું ફળ). જાંબુનું ઝાડની ડાળીએ - ડાળીએ મીઠાં મધુરા, રસદાર, દળદાર, ચમકતા જાંબલી રંગનાં જાંબુ લચી પડ્યા હતા. વિશાળ અને ઘટાદાર એવા જાંબુનાં આ ઝાડ પર બીજા પશુ - પક્ષીઓ સાથે એક વાંદરો પણ વસવાટ કરતો હતો. (અરે ભાઈ, ‘વસવાટ કરવો’ એટલે ‘રહેવું’- એટલે કે વાંદરો પણ રહેતો હતો.) સ્વભાવે ચંચળ અને ચતુર આ વાંદરાનું નામ હતું રક્તમુખ! રક્તમુખ આખો દિવસ જાંબુનાં ઝાડની ડાળીઓ પર ઝૂલે અને મસ્તી કરે. રોજ સવાર પડે અને રક્તમુખ ડાળીએ - ડાળીએ કૂદતો જાય, મોજીલા ગીત ગાતો જાય અને સ્વાદિષ્ટ જાંબુ ખાતો જાય. જાંબુનું આ ઝાડ જ એનું ઘર. રોજેરોજ મજેદાર જાંબુડાં ખાઈને રક્તમુખ ખુશખશાલ દિવસો પસાર કરે છે.

એક દિવસ બપોરે ખૂબ તાપ હતો, એવામાં નદીને કાંઠે એક મોટો મગર આવી ચડ્યો. ગરમીમાં દૂરથી તરીને આવેલો મગર જાંબુનાં ઝાડની છાંયામાં નદીનાં છીછરા પાણીમાં આરામ કરવા લાગ્યો. દેખાવમાં ભયંકર એવા આ મગરનું નામ હતું કરાલમુખ! એ થાકેલો તો હતો જ સાથે તેને ભૂખ પણ લાગી હતી. ઝાડ પર ઊંચે બેઠેલા રક્તમુખે નીચે સુતેલા મગરને જોયો. તે થોડો નીચેની ડાળી સુધી આવ્યો અને મગરને કહેવા લાગ્યો, “ઓ મગરભાઈ! આ મારું ઘર છે અને તમે આવી ગરમ લૂ ફેંકતી બપોરે અહીં આવી પહોંચ્યા છો. તમે મારા મહેમાન કહેવાઓ. તમે ભૂખ્યા અને થાકેલા લાગો છો. હું હમણાં જ તમારા સ્વાગત માટે થોડાં જાંબુ તોડી લાવું છું. તમે એ ખાઈને આરામ કરો!”

રક્તમુખે શોધીને એકદમ પાકા-પાકા, નરમ-નરમ, રસથી ભરેલા મીઠાં જાંબુની નાની સરખી ઢગલી છીછરા પાણીમાં નાખી. મગરે તરત જ જાંબુ મોંમાં ઝીલી લીધા. “આહાહા! શું મીઠો મધુરો જાંબુનો રસ!! કેટલા સ્વાદિષ્ટ ફળ!” કરાલમુખે હરખાતાં-હરખાતાં જાંબુની જ્યાફત ઉડાડી. (એટલે કે સ્વાદ માણ્યો… આ નવા શબ્દો ફરી પાછા ક્યાંક યોગ્ય જગ્યાએ વાપરજો હોં ને!) તો જાંબુડાં ખાઈને મગરે રક્તમુખનો આભાર માન્યો. સાંજ પડ્યે, તાપ ઓછો થતાં એ પોતાનાં ઘરે જવા નીકળી ગયો.

હવે તો કરાલમુખ દરરોજ રક્તમુખને મળવા આવે એવો નિયમ જ થઇ ગયો જાણે! બંને બહુ સારા મિત્રો બની ગયા. રોજ બપોર થતાં જ કરાલમુખ તરતો-તરતો જાંબુનાં ઝાડ નીચે આવે, રક્તમુખ ત્યાં ઝાડ પર બેસીને કરાલમુખને સરસ મજાનાં મીઠાં જાંબુ ખવડાવે અને બંને મિત્રો નદી, જંગલ અને એવી કેટકેટલીએ અલકમલકની વાતો કરે.

એક દિવસ કરાલમુખ મિત્ર રક્તમુખને કહે કે, “મિત્ર! હું તો રોજ આ રસમધુરા જાંબુ ખાઉં છું પણ હું ઈચ્છું છું કે તારી ભાભી એટલે કે મારી પત્નીને પણ તેનો સ્વાદ ચખાડું.” મિત્રની આવી વાત સાંભળી રક્તમુખ ઝાડ પરથી હોંશભેર સૌથી પાકા અને મીઠાં જાંબુ તોડી લાવ્યો. કરાલમુખ પોતાની મગરી માટે આખું મોઢું ભરાઈ જાય એટલા જાંબુ લઈને ઘર તરફ તરવા માંડ્યો. મગરીએ આ ચળકતા જાંબલી રંગનાં દળદાર ફળને ચાખ્યા. એ તો જાંબુ ખાતી જ રહી ગઈ. મગરી ઉત્સાહ સાથે મગરને કહેવા લાગી, “આટલાં મીઠાં ફળ તો મેં ક્યારેય નથી ચાખ્યા. હવે વિચાર કરો જોઈએ, જે વાનર એ જાંબુનાં ઝાડ પર જ રહેતો હોય અને રોજરોજ આવા સ્વાદિષ્ટ ફળ ખાતો હોય તેનું કાળજું કેટલું મીઠું હશે… મારે એ વાંદરાનું કાળજું ખાવું છે.”

કરાલમુખ પત્નીની આવી વાત સાંભળીને ડઘાઈ જ ગયો. તેણે મગરીને સમજાવતાં કહ્યું, “આ તું શું કહે છે? રક્તમુખ મારો મિત્ર છે, આપણે તેની સાથે દગો કેવી રીતે કરાય?” પણ, મગરી તો જીદે ચડી કે મગર જ્યાં સુધી વાંદરાનું કાળજું નહીં લાવે ત્યાં સુધી તે કશું ખાશે-પીશે નહીં. પત્નીની જીદ સામે કરાલમુખે છેવટે હાર માનવી પડી. તેણે રક્તમુખનું કાળજું લાવવા માટે એક યોજના ઘડી કાઢી.

બીજે દિવસે, રોજની જેમ કરાલમુખ તરતો-તરતો જાંબુનાં ઝાડ પાસે આવી પહોંચ્યો. તે રક્તમુખને કહેવા લાગ્યો, “શું વાત કરું તને મિત્ર! મારી પત્ની તેં મોકલેલા જાંબુ ખાઈને હરખાઈ જ ગઈ. તેણે આવા સ્વાદિષ્ટ ફળ ક્યારેય ખાધા જ નહોતા. મારી પત્ની તારો આભાર માનવા ઈચ્છે છે. એ તારા માટે લહેજતદાર વાનગીઓ બનાવવાની છે. અમારું આમંત્રણ સ્વીકારીને આજે આ મિજબાની (દાવત કે પાર્ટી માટેનો જ એક ગુજરાતી શબ્દ છે હો આ!) માણવા તારે આવવું જ પડશે.”

રક્તમુખ આ વાત સાંભળીને રાજીરાજી થઇ ગયો. આમ પણ એ હંમેશા વિચારતો કે નદીને પાર રહેતા કરાલમુખનું ઘર કેવું હશે? આજે મળેલા આમંત્રણથી એ પ્રફુલ્લિત થઇ ગયો હતો પણ ત્યાં જ એક વિચાર આવતા એ થોડો ઉદાસ થઇ ગયો. તેણે કરાલમુખને કહ્યું, “મિત્ર, આ આમંત્રણ હું ચોક્કસ સ્વીકારવા માગું છું. મારે પણ તારું ઘર જોવું છે પણ મને તારી જેમ તરતા નથી આવડતું. આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ?” વાત સાંભળીને કરાલમુખ હસી પડ્યો. તેણે કહ્યું, “એમાં શી મોટી વાત છે? તું મારી પીઠ પર સવાર થઇ જા એટલે હું તને મારા ઘરે લઇ જઉં.”

મગર વાંદરાને પોતાની પીઠ પર બેસાડી નદી વચ્ચે લઈ જાય છે મગરનાં દુષ્ટ ઈરાદાથી બિલકુલ અજાણ રક્તમુખ તો જાંબુનાં ઝાડ પરથી નીચે ઉતર્યો અને કૂદકો મારીને ખુશીખુશી મિત્રની પીઠ પર સવાર થઇ ગયો. રક્તમુખ પીઠ પર બેસી ગયો કે તરત જ કરાલમુખ ‘સરરરર’ કરતો નદીના પાણીમાં ઉતરી ગયો.

કરાલમુખ હવે નદીની બિલકુલ વચ્ચે પહોંચ્યો. અહીં પાણી ખુબ જ ઊંડું હતું, એ જોઈને રક્તમુખને થોડો ડર લાગ્યો. તેણે પોતાની આસપાસ આટલું બધું પાણી ક્યારેય નહોતું જોયું. નદીનું આ વિશાળ સ્વરૂપ તેને ઝાડ ઉપરથી દેખાતાં છીછરા કિનારા કરતા સાવ અલગ અને ડરામણું હતું. રક્તમુખ થોડો ગભરાઈ રહ્યો છે એ કરાલમુખથી છાનું ન રહ્યું. તેને લાગ્યું કે ‘પોતાની યોજના રક્તમુખને કહેવાનો આ જ સાચો સમય છે કેમકે, હવે આ વાંદરો ભાગીને ક્યાં જશે?’ આવું વિચારીને મનમાં મલકાતાં કરાલમુખે રક્તમુખને કહ્યું, “હું તને એક વાત કહેવા માગું છું. મારી પત્નીએ જ્યારથી નરમ-નરમ, મીઠાં-મધુરા જાંબુનો સ્વાદ ચાખ્યો ત્યારથી તેને તારું કાળજું ખાવાની ઈચ્છા થઇ છે. પહેલા તો મેં આપણી મિત્રતા વિશે જ વિચાર્યું પણ સાચું કહું તો હું મારી પ્રિય પત્નીની માગણી કેવી રીતે અવગણી શકું? એટલે જ હું અત્યારે તને અમારા ઘરે લઇ જઈ રહ્યો છું. તારું કાળજું ખાઈને મારી પ્રિય પત્ની અત્યંત ખુશ થશે.”

આ વાત સાંભળી રક્તમુખનું હૃદય તો જાણે ધબકારો જ ચુકી ગયું. (એ બહુ ખરાબ રીતે ડરી ગયો કે ચોંકી ગયો એવું કહેવું હોય ત્યારે આમ પણ કહેવાય એ ખબર છે ને?) પોતાનો ગભરાટ છુપાવી, તેણે પહેલા તો એક ઊંડો શ્વાસ લીધો અને હવે તેણે પોતાની બુદ્ધિ કામે લગાડી. રક્તમુખ હસીને કહે, “અરે ભાઈ કરાલમુખ! આવી વાત હતી તો મને જરા પહેલા જાણ કરાય ને!! તારી પત્ની મારું કાળજું ખાય એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? હું રાજીખુશીથી મારું કાળજું આપી દેત પણ, અત્યારે એક સમસ્યા છે.”

કરાલમુખ કશું સમજે કે બોલે એ પહેલા રક્તમુખ ફરીથી કહેવા લાગ્યો, “મેં મારુ કાળજું કાઢીને જાંબુનાં ઝાડની બખોલમાં સુરક્ષિત મૂકી રાખ્યું છે, તો આપણે એ લેવા ફરીથી મારા ઘરે જવું પડશે.”

મૂર્ખ મગર આ ચતુર વાંદરાની વાતમાં આવી ગયો. કરાલમુખને કંઈ વિચારતો જોઈને રક્તમુખ ઉતાવળે અવાજે બોલ્યો, “અરે મિત્ર! જલ્દી ચાલ, ઝાડની બખોલમાંથી કાળજું લઈને આપણે ઝડપથી તારી પત્ની પાસે પહોંચીએ, આપણે તેને રાહ ન જોવડાવવી જોઈએ.”

આટલું સાંભળતાં જ કરાલમુખ હતું એટલું જોર લગાડી, સડસડાટ નદીનું પાણી ચીરતો રક્તમુખને લઈને જાંબુનાં ઝાડ પાસે આવી પહોંચ્યો.

ચતુર વાંદરો ઝાડ પર સુરક્ષિત ચડીને મગર પર હસે છે

કિનારો નજીક આવતા જ, રક્તમુખ વીજળીવેગે મોટો કૂદકો મારીને, લાંબી-લાંબી છલાંગો ભરતો, જાંબુનાં ઝાડની સૌથી ઊંચી ડાળીએ જઈને બેસી ગયો. તેને છેક ઉપરની ડાળ પર બેઠેલો જોઈને કરાલમુખ મીઠાશથી કહેવા લાગ્યો, “કેમ આટલી વાર લાગી રહી છે મિત્ર? સમય બગાડ્યા વિના જલ્દી બખોલમાંથી કાળજું લઈ લે એટલે આપણે નીકળીએ. તારી ભાભી તારા માટે જાતજાતના પકવાન બનાવીને આપણી રાહ જોઈ રહી હશે.”

કરાલમુખની આવી વાત સાંભળીને રક્તમુખ જોરજોરથી હસવા લાગ્યો. તેણે કહ્યું, “ઓ મૂર્ખ મગરમચ્છ! ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પોતાનું કાળજું શરીરથી અલગ કરીને ઝાડ પર રાખી શકે? તારા પર વિશ્વાસ કરતા એક મિત્રને તેં ખોટું બોલીને, દગો આપ્યો પણ, તારી પોતાની મૂર્ખતાને લીધે તું જાતે જ છેતરાયો છે. અહીંથી અત્યારે જ જતો રહે અને હવે પછી ક્યારેય આ બાજુ ન આવીશ. આજથી હું તારો મિત્ર નથી!”

આ સાંભળી કરાલમુખનું માથું શરમથી ઝૂકી ગયું. તેને સમજાઈ ગયું આજથી એક જીગરજાન મિત્ર અને રસદાર જાંબુ એ હંમેશાને માટે ગુમાવી ચુક્યો છે. રક્તમુખ જાંબુનાં ઝાડ ઉપરથી કરાલમુખને ધીમેધીમે પાણીમાં સરકીને દૂર જતાં જોઈ રહ્યો.

બોધ

મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે ધૈર્ય અને ચતુરાઈથી કામ લેવું જોઈએ. અને દગાબાજ મિત્રોથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. લોભ અને દગો આખરે શરમ અને નુકસાન જ લાવે છે!

આ વાર્તા અલગ પાને વાંચો →

Unlock your PDF

Enter your email to download this whole collection as one PDF. We'll also send you updates when we publish new stories.

Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.