વાંદરો અને મગર – ગુજરાતી બાળવાર્તા
ચાલો, આજે એક નવી બાળવાર્તા વાંચીએ. પંચતંત્રની આ મજાની વાર્તા મારા વ્હાલા વાચક મિત્રો માટે!
ઘણાં સમય પહેલાની વાત છે. એક સુંદર, વિશાળ એવી પાણીથી છલોછલ ભરેલી નદીને કાંઠે એક મોટું જાંબુનું ઝાડ હતું. (જાંબુ ખબર છે ને? પેલું ગોળ કે લંબગોળ, થોડું નરમ, મીઠાં - તૂરાં સ્વાદવાળું એકદમ જાંબુડિયા અને ક્યારેક તો કાળા રંગનું દેખાય એવું ફળ). જાંબુનું ઝાડની ડાળીએ - ડાળીએ મીઠાં મધુરા, રસદાર, દળદાર, ચમકતા જાંબલી રંગનાં જાંબુ લચી પડ્યા હતા. વિશાળ અને ઘટાદાર એવા જાંબુનાં આ ઝાડ પર બીજા પશુ - પક્ષીઓ સાથે એક વાંદરો પણ વસવાટ કરતો હતો. (અરે ભાઈ, ‘વસવાટ કરવો’ એટલે ‘રહેવું’- એટલે કે વાંદરો પણ રહેતો હતો.) સ્વભાવે ચંચળ અને ચતુર આ વાંદરાનું નામ હતું રક્તમુખ! રક્તમુખ આખો દિવસ જાંબુનાં ઝાડની ડાળીઓ પર ઝૂલે અને મસ્તી કરે. રોજ સવાર પડે અને રક્તમુખ ડાળીએ - ડાળીએ કૂદતો જાય, મોજીલા ગીત ગાતો જાય અને સ્વાદિષ્ટ જાંબુ ખાતો જાય. જાંબુનું આ ઝાડ જ એનું ઘર. રોજેરોજ મજેદાર જાંબુડાં ખાઈને રક્તમુખ ખુશખશાલ દિવસો પસાર કરે છે.
એક દિવસ બપોરે ખૂબ તાપ હતો, એવામાં નદીને કાંઠે એક મોટો મગર આવી ચડ્યો. ગરમીમાં દૂરથી તરીને આવેલો મગર જાંબુનાં ઝાડની છાંયામાં નદીનાં છીછરા પાણીમાં આરામ કરવા લાગ્યો. દેખાવમાં ભયંકર એવા આ મગરનું નામ હતું કરાલમુખ! એ થાકેલો તો હતો જ સાથે તેને ભૂખ પણ લાગી હતી. ઝાડ પર ઊંચે બેઠેલા રક્તમુખે નીચે સુતેલા મગરને જોયો. તે થોડો નીચેની ડાળી સુધી આવ્યો અને મગરને કહેવા લાગ્યો, “ઓ મગરભાઈ! આ મારું ઘર છે અને તમે આવી ગરમ લૂ ફેંકતી બપોરે અહીં આવી પહોંચ્યા છો. તમે મારા મહેમાન કહેવાઓ. તમે ભૂખ્યા અને થાકેલા લાગો છો. હું હમણાં જ તમારા સ્વાગત માટે થોડાં જાંબુ તોડી લાવું છું. તમે એ ખાઈને આરામ કરો!”
રક્તમુખે શોધીને એકદમ પાકા-પાકા, નરમ-નરમ, રસથી ભરેલા મીઠાં જાંબુની નાની સરખી ઢગલી છીછરા પાણીમાં નાખી. મગરે તરત જ જાંબુ મોંમાં ઝીલી લીધા. “આહાહા! શું મીઠો મધુરો જાંબુનો રસ!! કેટલા સ્વાદિષ્ટ ફળ!” કરાલમુખે હરખાતાં-હરખાતાં જાંબુની જ્યાફત ઉડાડી. (એટલે કે સ્વાદ માણ્યો… આ નવા શબ્દો ફરી પાછા ક્યાંક યોગ્ય જગ્યાએ વાપરજો હોં ને!) તો જાંબુડાં ખાઈને મગરે રક્તમુખનો આભાર માન્યો. સાંજ પડ્યે, તાપ ઓછો થતાં એ પોતાનાં ઘરે જવા નીકળી ગયો.
હવે તો કરાલમુખ દરરોજ રક્તમુખને મળવા આવે એવો નિયમ જ થઇ ગયો જાણે! બંને બહુ સારા મિત્રો બની ગયા. રોજ બપોર થતાં જ કરાલમુખ તરતો-તરતો જાંબુનાં ઝાડ નીચે આવે, રક્તમુખ ત્યાં ઝાડ પર બેસીને કરાલમુખને સરસ મજાનાં મીઠાં જાંબુ ખવડાવે અને બંને મિત્રો નદી, જંગલ અને એવી કેટકેટલીએ અલકમલકની વાતો કરે.
એક દિવસ કરાલમુખ મિત્ર રક્તમુખને કહે કે, “મિત્ર! હું તો રોજ આ રસમધુરા જાંબુ ખાઉં છું પણ હું ઈચ્છું છું કે તારી ભાભી એટલે કે મારી પત્નીને પણ તેનો સ્વાદ ચખાડું.” મિત્રની આવી વાત સાંભળી રક્તમુખ ઝાડ પરથી હોંશભેર સૌથી પાકા અને મીઠાં જાંબુ તોડી લાવ્યો. કરાલમુખ પોતાની મગરી માટે આખું મોઢું ભરાઈ જાય એટલા જાંબુ લઈને ઘર તરફ તરવા માંડ્યો. મગરીએ આ ચળકતા જાંબલી રંગનાં દળદાર ફળને ચાખ્યા. એ તો જાંબુ ખાતી જ રહી ગઈ. મગરી ઉત્સાહ સાથે મગરને કહેવા લાગી, “આટલાં મીઠાં ફળ તો મેં ક્યારેય નથી ચાખ્યા. હવે વિચાર કરો જોઈએ, જે વાનર એ જાંબુનાં ઝાડ પર જ રહેતો હોય અને રોજરોજ આવા સ્વાદિષ્ટ ફળ ખાતો હોય તેનું કાળજું કેટલું મીઠું હશે… મારે એ વાંદરાનું કાળજું ખાવું છે.”
કરાલમુખ પત્નીની આવી વાત સાંભળીને ડઘાઈ જ ગયો. તેણે મગરીને સમજાવતાં કહ્યું, “આ તું શું કહે છે? રક્તમુખ મારો મિત્ર છે, આપણે તેની સાથે દગો કેવી રીતે કરાય?” પણ, મગરી તો જીદે ચડી કે મગર જ્યાં સુધી વાંદરાનું કાળજું નહીં લાવે ત્યાં સુધી તે કશું ખાશે-પીશે નહીં. પત્નીની જીદ સામે કરાલમુખે છેવટે હાર માનવી પડી. તેણે રક્તમુખનું કાળજું લાવવા માટે એક યોજના ઘડી કાઢી.
બીજે દિવસે, રોજની જેમ કરાલમુખ તરતો-તરતો જાંબુનાં ઝાડ પાસે આવી પહોંચ્યો. તે રક્તમુખને કહેવા લાગ્યો, “શું વાત કરું તને મિત્ર! મારી પત્ની તેં મોકલેલા જાંબુ ખાઈને હરખાઈ જ ગઈ. તેણે આવા સ્વાદિષ્ટ ફળ ક્યારેય ખાધા જ નહોતા. મારી પત્ની તારો આભાર માનવા ઈચ્છે છે. એ તારા માટે લહેજતદાર વાનગીઓ બનાવવાની છે. અમારું આમંત્રણ સ્વીકારીને આજે આ મિજબાની (દાવત કે પાર્ટી માટેનો જ એક ગુજરાતી શબ્દ છે હો આ!) માણવા તારે આવવું જ પડશે.”
રક્તમુખ આ વાત સાંભળીને રાજીરાજી થઇ ગયો. આમ પણ એ હંમેશા વિચારતો કે નદીને પાર રહેતા કરાલમુખનું ઘર કેવું હશે? આજે મળેલા આમંત્રણથી એ પ્રફુલ્લિત થઇ ગયો હતો પણ ત્યાં જ એક વિચાર આવતા એ થોડો ઉદાસ થઇ ગયો. તેણે કરાલમુખને કહ્યું, “મિત્ર, આ આમંત્રણ હું ચોક્કસ સ્વીકારવા માગું છું. મારે પણ તારું ઘર જોવું છે પણ મને તારી જેમ તરતા નથી આવડતું. આપણે ત્યાં કેવી રીતે જઈ શકીએ?” વાત સાંભળીને કરાલમુખ હસી પડ્યો. તેણે કહ્યું, “એમાં શી મોટી વાત છે? તું મારી પીઠ પર સવાર થઇ જા એટલે હું તને મારા ઘરે લઇ જઉં.”
મગરનાં દુષ્ટ ઈરાદાથી બિલકુલ અજાણ રક્તમુખ તો જાંબુનાં ઝાડ પરથી નીચે ઉતર્યો અને કૂદકો મારીને ખુશીખુશી મિત્રની પીઠ પર સવાર થઇ ગયો. રક્તમુખ પીઠ પર બેસી ગયો કે તરત જ કરાલમુખ ‘સરરરર’ કરતો નદીના પાણીમાં ઉતરી ગયો.
કરાલમુખ હવે નદીની બિલકુલ વચ્ચે પહોંચ્યો. અહીં પાણી ખુબ જ ઊંડું હતું, એ જોઈને રક્તમુખને થોડો ડર લાગ્યો. તેણે પોતાની આસપાસ આટલું બધું પાણી ક્યારેય નહોતું જોયું. નદીનું આ વિશાળ સ્વરૂપ તેને ઝાડ ઉપરથી દેખાતાં છીછરા કિનારા કરતા સાવ અલગ અને ડરામણું હતું. રક્તમુખ થોડો ગભરાઈ રહ્યો છે એ કરાલમુખથી છાનું ન રહ્યું. તેને લાગ્યું કે ‘પોતાની યોજના રક્તમુખને કહેવાનો આ જ સાચો સમય છે કેમકે, હવે આ વાંદરો ભાગીને ક્યાં જશે?’ આવું વિચારીને મનમાં મલકાતાં કરાલમુખે રક્તમુખને કહ્યું, “હું તને એક વાત કહેવા માગું છું. મારી પત્નીએ જ્યારથી નરમ-નરમ, મીઠાં-મધુરા જાંબુનો સ્વાદ ચાખ્યો ત્યારથી તેને તારું કાળજું ખાવાની ઈચ્છા થઇ છે. પહેલા તો મેં આપણી મિત્રતા વિશે જ વિચાર્યું પણ સાચું કહું તો હું મારી પ્રિય પત્નીની માગણી કેવી રીતે અવગણી શકું? એટલે જ હું અત્યારે તને અમારા ઘરે લઇ જઈ રહ્યો છું. તારું કાળજું ખાઈને મારી પ્રિય પત્ની અત્યંત ખુશ થશે.”
આ વાત સાંભળી રક્તમુખનું હૃદય તો જાણે ધબકારો જ ચુકી ગયું. (એ બહુ ખરાબ રીતે ડરી ગયો કે ચોંકી ગયો એવું કહેવું હોય ત્યારે આમ પણ કહેવાય એ ખબર છે ને?) પોતાનો ગભરાટ છુપાવી, તેણે પહેલા તો એક ઊંડો શ્વાસ લીધો અને હવે તેણે પોતાની બુદ્ધિ કામે લગાડી. રક્તમુખ હસીને કહે, “અરે ભાઈ કરાલમુખ! આવી વાત હતી તો મને જરા પહેલા જાણ કરાય ને!! તારી પત્ની મારું કાળજું ખાય એનાથી સારી વાત બીજી કઈ હોઈ શકે? હું રાજીખુશીથી મારું કાળજું આપી દેત પણ, અત્યારે એક સમસ્યા છે.”
કરાલમુખ કશું સમજે કે બોલે એ પહેલા રક્તમુખ ફરીથી કહેવા લાગ્યો, “મેં મારુ કાળજું કાઢીને જાંબુનાં ઝાડની બખોલમાં સુરક્ષિત મૂકી રાખ્યું છે, તો આપણે એ લેવા ફરીથી મારા ઘરે જવું પડશે.”
મૂર્ખ મગર આ ચતુર વાંદરાની વાતમાં આવી ગયો. કરાલમુખને કંઈ વિચારતો જોઈને રક્તમુખ ઉતાવળે અવાજે બોલ્યો, “અરે મિત્ર! જલ્દી ચાલ, ઝાડની બખોલમાંથી કાળજું લઈને આપણે ઝડપથી તારી પત્ની પાસે પહોંચીએ, આપણે તેને રાહ ન જોવડાવવી જોઈએ.”
આટલું સાંભળતાં જ કરાલમુખ હતું એટલું જોર લગાડી, સડસડાટ નદીનું પાણી ચીરતો રક્તમુખને લઈને જાંબુનાં ઝાડ પાસે આવી પહોંચ્યો.

કિનારો નજીક આવતા જ, રક્તમુખ વીજળીવેગે મોટો કૂદકો મારીને, લાંબી-લાંબી છલાંગો ભરતો, જાંબુનાં ઝાડની સૌથી ઊંચી ડાળીએ જઈને બેસી ગયો. તેને છેક ઉપરની ડાળ પર બેઠેલો જોઈને કરાલમુખ મીઠાશથી કહેવા લાગ્યો, “કેમ આટલી વાર લાગી રહી છે મિત્ર? સમય બગાડ્યા વિના જલ્દી બખોલમાંથી કાળજું લઈ લે એટલે આપણે નીકળીએ. તારી ભાભી તારા માટે જાતજાતના પકવાન બનાવીને આપણી રાહ જોઈ રહી હશે.”
કરાલમુખની આવી વાત સાંભળીને રક્તમુખ જોરજોરથી હસવા લાગ્યો. તેણે કહ્યું, “ઓ મૂર્ખ મગરમચ્છ! ક્યારેય સાંભળ્યું છે કે કોઈ પોતાનું કાળજું શરીરથી અલગ કરીને ઝાડ પર રાખી શકે? તારા પર વિશ્વાસ કરતા એક મિત્રને તેં ખોટું બોલીને, દગો આપ્યો પણ, તારી પોતાની મૂર્ખતાને લીધે તું જાતે જ છેતરાયો છે. અહીંથી અત્યારે જ જતો રહે અને હવે પછી ક્યારેય આ બાજુ ન આવીશ. આજથી હું તારો મિત્ર નથી!”
આ સાંભળી કરાલમુખનું માથું શરમથી ઝૂકી ગયું. તેને સમજાઈ ગયું આજથી એક જીગરજાન મિત્ર અને રસદાર જાંબુ એ હંમેશાને માટે ગુમાવી ચુક્યો છે. રક્તમુખ જાંબુનાં ઝાડ ઉપરથી કરાલમુખને ધીમેધીમે પાણીમાં સરકીને દૂર જતાં જોઈ રહ્યો.
બોધ
મુશ્કેલીના સમયે ગભરાવાને બદલે ધૈર્ય અને ચતુરાઈથી કામ લેવું જોઈએ. અને દગાબાજ મિત્રોથી હંમેશાં સાવધ રહેવું જોઈએ. લોભ અને દગો આખરે શરમ અને નુકસાન જ લાવે છે!