તમે વરસો હો રાજ ! – A Gujarati Poetry by Swati Joshi
અમે સૂકા તે રણનો વીરડો હો જી,
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
અમ કાને પડે ન કદી વહેવાનું ખળખળ
પણ,
વરસવું તમારું, જાણે ઝાંઝરનો અવાજ.
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
અમે મૌન બની રહીએ છો વીતતી પળોમાં
શું
નહીં પાળો તમ પણ ગર્જનનો રિવાજ?
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
આખર જે ‘તું છે એ હું છું’ ને ‘હું છું એ તું છે’
તો,
આ અતડાપણું શાને કાજ?
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!
રણની ‘વિધવા’ સફેદી અમને ભરખે એ પહેલા
વરસો તો,
અમ સજી લઈએ ‘સધવા’ ના સાજ
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ! !
અમે રણનાં આ તાપે જો બાષ્પ બની ઊડશું
તો,
બસ આંબી લઈશું તમને આજ!
અમે સૂકા તે રણનો વીરડો હો જી,
તમે શ્રાવણ બનીને વરસો હો રાજ!