સઘળું પ્રભુ શ્રી રામ! – A Gujarati Poetry by Swati Joshi

અમ શ્વાસ કહો કે આસ ગણો, ચાહે કહો આ વિશ્વ તમામ,

મુજ ક્ષેત્ર, છત્ર કે નક્ષત્ર ગણો, મારું સઘળું પ્રભુ શ્રી રામ!

રાખે ઘડ્યા ને રાખમાં રોળશે, ઈશ્વરનું એ જ તો કામ,

માયાને ધોકડે પ્રાણ પૂરી, રમતા રાખે મારા રામ!

શબ્દ કહો કે મંત્ર ગણો, મુજ શ્રુતિ કેરો એ સામ,

મારી સર્વે ક્રિયાનું જારણમારણ, બસ રામનું નામ!

સુખનું કારણ, દુઃખનું મારણ, જીવની શાતા ને આરામ,

મુજ હેમંત, શિશિર, વર્ષા કે ગ્રીષ્મ, એ સકળ પ્રભુ શ્રી રામ!

જીવન મોક્ષ, ધર્મ ને અર્થનો મંડપ, જેનો ચોથો પાયો કામ,

માંડવો મારો સદા સલામત, કે એનો ચંદરવો શ્રી રામ!

દુષણ હો ચાહે કોઈ વ્યગ્રતા, દિગ્મૂઢતા કે હો અવમાન,

વ્યાહત વૃત્તિ કેરું મારક છે પ્રભુ રામનું નામ!

ક્ષેત્રી કેરા સ્વામી એક એ, મુજ ચિત્તનો એ જ વિરામ,

વસુંધરા પર સર્વવ્યાપ્ત વિભુ, સંસાર સત્વ શ્રી રામ!

અમ શ્વાસ કહો કે આસ ગણો, ચાહે કહો આ વિશ્વ તમામ,

મુજ ક્ષેત્ર, છત્ર કે નક્ષત્ર ગણો, મારું સઘળું પ્રભુ શ્રી રામ!

ક્ષેત્ર = જમીન (અહીં), છત્ર = આકાશ (અહીં), નક્ષત્ર = ખગોળીય વિસ્તાર (અહીં),  ધોકડે = શરીરે, દેહમાં,

સામ = ગાયન વિશિષ્ટ મંત્ર, એક તાલનું નામ,

જારણમારણ = વશીકરણ, મંત્ર કે પદ, વ્યાહત = કુંઠિત, વિક્ષિપ્ત,  ક્ષેત્રી = આત્મા,

સત્વ = સાર, બળ

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.