રામ રાખે દરકાર – A Gujarati Poetry by Swati Joshi

મારા રામ રાખે દરકાર,

કે હે જી, મારા રામ રાખે દરકાર!

આવન-જાવન શ્વાસની દોરી,

ઝાલે સીતાજીના ભરથાર -

હે જી, ઝાલે સીતાજીના ભરથાર.

મારા રામ રાખે દરકાર…

મન-મંદિરિયું ઝગમગ, ઝળહળ,

ભર્યો છે રામજી કેરો દરબાર -

હે જી, ભર્યો રામજી કેરો દરબાર.

મારા રામ રાખે દરકાર…

દલડાંની દેરીએ આનંદ-મંગળ,

વસે જ્યાં રામ બની ધબકાર -

હે જી, વસે રામ બની ધબકાર.

મારા રામ રાખે દરકાર…

પંચભૂતની પૂતળી રૂપકડી,

મારા રામજી એના કિરતાર -

હે જી, રામજી એના કિરતાર.

મારા રામ રાખે દરકાર…

રાખનું રમકડું તું રામનું ઘડેલું,

ન કર ‘આપવડાઈ’ લગાર -

હે જી, તારી ખુદની બડાઈ લગાર!

મારા રામ રાખે દરકાર…

ખોટપનાં ઠામણાં ઠાલાં ખખડે,

જગ આખું વંચનાનો વેપાર -

હે જી, જગ વંચનાનો વેપાર.

મારા રામ રાખે દરકાર…

મારે - તારે, સરજે - સંહારે,

પ્રભુના પરચા અપરંપાર -

કે, રામની લીલાનો નહીં પાર!

મારા રામ રાખે દરકાર,

કે હે જી, મારા રામ રાખે દરકાર!

કિરતાર = Creator, ઠામણાં = વાસણ, વંચના = deception/illusion, પરચા = divine act