પ્રગતિ! – Gujarati Poetry

પળ, પ્રહરનાં દિન થયાં ને,
દિન બની વર્ષો ગયા;

નિશ ચમકતી આંખ સામે,
કાચ આ લાગી ગયા.

ચાલ્યો હજુ તો ચાર શેરી,
બે’ક વળાંકો શું લીધા;

શી ખબર કે કેમ સઘળા,
સરનામા બદલી ગયા?

એક તરફ સૌ તૃષ્ણાઓ,
બીજી તરફ છે બંધનો;

મંછા તપાસું જ્યાં જરા,ત્યાં-
સપના મને સાહી ગયા.

દોડ નામે જિંદગીમાં,
ભાગ્યો છું હું મન મૂકી;

થોભી, ચકાસું સંગ મારા,
પોતાનાં કેટલા રહ્યા?

આકાંક્ષાની પાંખો ઝાલી,
દૂર હું એટલો ગયો;

નજરનું નેજવું કરતી મા નાં
હાથ તો થાકી ગયા!!

*સાહી જવું = હાથ પકડીને લઇ જવું,

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.