તને ગમશે? – Gujarati Poetry

સંબંધોનાં આયનામાં બસ સોહામણી છબીઓ જ રમશે,
આવું કરવામાં જો હું; હું ન રહું, તો તને ગમશે?

હેતે વસાવેલી લાગણીની નગરીમાં,
અહંની ભૂતાવળ વસવાને આવે;
પ્રેમે છલકાતી મનની નાનકડી ગલીઓમાં,
અહમ્ નાં ઓછાયા પ્રસરશે, તો તને ગમશે?

ભાવનાની ડાળીઓનાં વ્હાલપનાં ફૂલો પર,
આપણાં સંબંધની રૂડી દેવચકલીઓ;
ભારે હૃદયે ને રૂંધાતા કંઠે,
હળવેથી ગાતી અટકશે, તો તને ગમશે?

સતરંગી સપનાની ખેતી છે આપણી,
સ્નેહતણી ઝાકળની પિયત અનિવાર મહીં;
ઠંડા સંબંધોમાં હૂંફનાં અભાવે,
અહીં લવણતા જો વરસશે, તો તને ગમશે?

કહેવાતા શબ્દોમાં ‘સ્વત્વ’ સામેલ હોય,
સમાજ, રિવાજ કે વ્યાવહારિક ખલેલ હોય;
ત્યારે અંતરનાં ભાવની ફોરમતી કુમાશ પર,
વેદનાનું રણ જ વિસ્તરશે, એ તને ગમશે?

બાકી તું કહે તો,
સંબંધોનાં આયનામાં બસ સોહામણી છબીઓ જ રમશે,
આવું કરવામાં જો હું; હું ન રહું, તો તને ગમશે?

*અનિવાર = અનિવાર્ય ,unavoidable , લવણતા = ખારાશ,salanity

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.