ખાલીપો – Gujarati Poetry | Japan Vora

બારણું ખૂલે ઘરનું અંદર
ખાલીપો સળવળે
આંખો મારે હવાતિયાં,
ક્યાંક એ નજરે જો ચડે!
વિસામો કેમ કહું આ ઘરને
કોઈ તો સમજાવે,
નિશાન એમના શોધવાને
કેટલો પરિશ્રમ કરવો પડે
ઉંબરો ઓળંગુને
એમની ગેરહાજરી ટળવળે
આ ખાલીપાની માલીપા
જાણે સોનામાં સુગંધ ભળે
હું કાન સરવા કરીને બેસું છું
ભીંત તરફ, કદાચ
ભીંતે સાંભળેલી વાતોમાં
એમનો ફરી ઉલ્લેખ નીકળે
રાત્રિની વેળાએ વ્યાપી જતાં
અંધકારમાં
એમના સ્મરણનો દીવો
તેજથી ઝળહળે
આ ચંદ્ર, આ આકાશ, આ ઉંબરો
અને આ હું આ ખૂણેથી
કરીએ છીએ વાતો જે ખૂણામાં
એમનું મૌન ખળભળે!