વિરાટ વિચ્છેદ – Gujarati Poem| Japan Vora

યાદ છે મને એ કાજળઘેરી રાતનું આકાશ;

ચમકતી ને ગરજતી વીજળી થતી આસપાસ,

એ દરેક વીજળીના ચળકાટથી ઝંખવાતો સમય,

કેટલાય વિષાદ, ઝંઝાવાત, મનમાં રચાતો પ્રલય!

પ્રકાશની હતી કરામત એ કે મને થયો આભાસ?

થઈ સ્મૃતિ કિરણની રચના અને મને જડયો વિશ્વાસ.

તું જ હતી, કે તારો જ હતો એ અવાજ?

પ્રતીતિ થઈ મને, મળ્યું છે મને એ,

મારું મન જે ઝંખે!

તું કહે અસત્ય છે એ તો, એના પુરાવા હશે,

કદાચ એ સ્મૃતિ કિરણ અવળા દોરવાયા હશે.

દુષ્કર તો ઘણુંય છે, પણ આંખોને એ કહી દેવા દે,

આંસુઓના મહેરામણને આ વિચ્છેદ મહીં વહી જવા દે.

કોરી ખાતો ખાલીપો, રહી છે માત્ર ભસ્મીભૂત યાદ,

જવું ક્યાં સંતાઈને?

રાખનો થતો ચોમેર વરસાદ!

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.