સુખ, દુઃખ અને આપણે! – Gujarati Poetry

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

સુખનો તો સ્વભાવ જ કોઈ મિષ્ટાન્ન સરીખો;

ને, દુઃખ જાણે કાયમનો એક પાડોશી અદેખો,

ન ગળપણ માળું પેટ ભરીને રોજ જમાય,

ને, પાડોશ વિના તો સાવ એકલું કેમ જીવાય?

તો, મધુર કોળિયો પાડોશી સંગ વહેંચીએ તો?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

સુખ તો જાણે દૂર વસંતો કમાઉ દીકરો;

ને, દુઃખનું કેવું, રોજ ભેળું ને પાછો સ્વભાવ આકરો,

કમાઉ છોરો રોજેરોજ કંઈ આવે નહીં;

ને, ઘરમાં દુઃખને નિત જોવાનું ફાવે નહીં,

દુઃખ પાસેથી કશુંક મેળવી, સુખને ન ઝૂરીએ તો?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

આપણી આસનાં આકાશે શીત સોમ જ છે સુખ;

પણ, રોજ તપાવી, કંચન કરતો ભાનુ તો દુઃખ!

થીજવી દેતી એકલી ટાઢક શું કરવી છે?

ને, શું ઘાયલ કરતી બળતરાની બરણી ભરવી છે?

એને બદલે, શીત-તપ્તનું સંતુલન જો કેળવીએ તો?

સુખનું ફોકસ આમ જરા જો ફેરવીએ તો?

દુઃખનાં પળ એ નાના-નાના જીરવીએ તો?

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.