મનસ્વી – Gujarati Poetry

માટીનાં શકોરા જેવું મ્હોરું તારું મલકાવી,
મનાવે તું મુજને માણીગર.

કહું કરમની કઠણાઈ; કાબેલિયત ના તારી,
આવા કામનો કાચો તું કારીગર.

ગમે તેવી ગાંડી-ઘેલી ગોઠડીનાં ગાડાં ભરી,
ગોરીઓને ગમ્મતે ગરક કર.

ટુચકા ને ટોળનાં રે કાળા-મેલાં ટૂમણથી,
ટાયલા તું ટણી કે ટીખળ કર.

નિત-નવા નાટક ને ચેટકના નુસખાથી,
ભલે ને તું નારીથી નજર ભર.

મનની જો મોળી ભાળી; મુજને જો છેડી જાણી,
માથાકૂટ થશે જોજે માતબર.

કપટ ને કાલાવાલા; કરે તું તો રે ને ઠાલા,
કુડા નેણે વળી પાછો તું કંકરી કર.

મરણિયો થશે તોયે; મલોખુંએ મળે નહીં,
એવી મંજરી હું મનસ્વી મનોહર!

*ગોઠડી= વાતો, ગરક કર= ડુબાડી દેવું,ટોળ= ઉપહાસ, ટુમણ= તાંત્રિક ટોટકા, ટાયલા= નખરાળા, ટણી= માથાકૂટ માટે ઉશ્કેરવા, ટીખળ= છેડતી (અહીં), ચેટક= જાદુ, માતબર= મોટા પાયે, કુડા= કાળા, મલોખું=ઘાસનું તણખલું, મંજરી= આંબાનાં મોર જેવી ખીલેલી

Filed under gujarati-poetry

Comments

    Comments are closed while the form is being configured.