“અંત્યો” – Gujarati Poetry

મુજ જીવનનાં બે અંત્યો; જે દેતાં મુજને સાદ,
એક વર્ષોથી મરુભૂમિ ને એક નર્યો વરસાદ.

એક નિરંતર તરસાવે ને-
એક ભીંઝવે સતત;

તરસને હું પી જાણું કે,
બૂંદને ઝીલું ઝટ?

ભાગ્યવિધાતા દોરતો મુજને, વાત ના મારે હાથ.
મુજ જીવનનાં બે અંત્યો…

એક તો મુજથી દૂર કદી ના-
એકની ના હું પાસ;

એક ધબકતું હ્રદય ગણું તો,
એક ચાલતો શ્વાસ.

કઈ બાંધું,કઈ છોડું?  –  ઉક્લે ના આ ગાંઠ!
મુજ જીવનનાં બે અંત્યો…

રોજ ધરીને રૂપ અનોખા –
નીપજાવું સંગાથ;

એકની હું વગડાની રેણુ,
બીજાની અબ્ધિ અગાધ.

જીવાદોરીનાં બંને છેડાં- કેમ રે છોડું સાથ?
મુજ જીવનનાં બે અંત્યો…

*અબ્ધિ = સમુદ્ર, જળરાશી

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.