વિશ્વાસ કરી જોઈએ તો?

Enjoy reading a new article in the series – With love, Swati.

મણાં-હમણાંથી તમને નથી લાગતું કે નાની મોટી બીમારીથી છૂટકારો મેળવવો હોય તો આપણે symptomatic treatment એટલે કે મોટે ભાગે એલોપેથિક દવાઓ તરફ વળી જઈએ છીએ? બસ, બરાબર એ જ રીતે, આપણે સંબંધોમાં પડેલી ગાંઠનાં કારણો જાણવાની કોશિશ કર્યા વગર જ અનુકૂળ પરિણામલક્ષી નિર્ણયો લેતા થઈ ગયા હોય તેવું લાગે છે. સામાજિક, કૌટુંબિક કે પછી વ્યક્તિગત ધોરણે આ ખૂબ જોખમી પરિસ્થિતી ના કહેવાય? થોડું ઊંડે ઉતરતા સમજાય છે કે લગભગ દરેક સંબંધમાં બીજી લાગણીઓની સરખામણીએ વિશ્વાસ જ મૂળમાં હોય છે, જેનાં આધારે સંબંધનું વૃક્ષ બીજી શાખાઓ વિસ્તારી શકે છે. સંબંધ શબ્દ સાંભળતા જ નજર સમક્ષ કેટલાએ ચિત્રો ઊભા થઈ જાય. આજકાલ ચર્ચાઓમાં સ્ત્રી-પુરુષ, પતિ-પત્ની, મિત્રો, ગુરુ-શિષ્ય આ બધું ખૂબ ચલણમાં હોવાથી તમને આ બધાને અનુલક્ષીને બહુ વાંચવા અને સાંભળવા મળશે. પરંતુ, આ જ આખી વાત માતા-પિતા અને સંતાનોનાં સંબંધોનાં સંદર્ભે કરીએ તો? આજે મીડિયા અત્યંત બહોળા પ્રમાણમાં તમારા ઘરોમાં ‘ઘર કરી ગયેલું’ હોવાથી, તમને આ સંબંધને કેન્દ્ર સ્થાન પર રાખીને ડિઝાઇન કરવામાં આવેલ સલાહ, સૂચન, ઉદાહરણ, આદર્શ વ્યક્તિત્વો બધું જ આંગળીનાં ટેરવાં પર મળશે. પરંતુ, ફરીથી એકવાર દર વખતની જેમ આજે આનો પણ એક અલગ એંગલ તપાસીએ તો? મારા લખવા પાછળનો હેતુ ક્યારેય કંઈ સૂચવવા કે શીખવવાનો રહ્યો જ નથી એટલે, અહીં પણ આપણે બંને પક્ષે ફક્ત વાત જ કરીએ છીએ તેમ માની મોકળા મનથી વાંચશો તો મજા આવશે.

આજે મોટા ભાગના ઘરોમાં જોઈ શકીએ છીએ કે, માતા-પિતા જીવનનાં આધુનિક મૂલ્યો પોતાની ક્ષમતા મુજબ સ્વીકારતા થયા છે. સંતાનોને મિત્ર માનવનું હાલમાં ફેશનમાં છે.  (સંતાનોનાં મિત્ર (!) આ વિષય પર પણ એક નવા આર્ટીકલ સાથે જલ્દી જ મળીશ!)  તેમની રીત-ભાત, રહેણી-કરણી, વત્તે ઓછે અંશે વિચારસરણી આ બધું બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે (ફરીથી, તેવું લાગે છે.) પરંતુ, આ આધુનિકતા લાગણીઓનાં આકાશ સુધી વિસ્તરી શકતી નથી. આગળ વાત કરી તેમ સંબંધનાં પાયા સ્વરૂપ વિશ્વાસ કોઈને કોઈ કારણોસર ડગ્યા કરે છે. અહીં ઘણાનાં મનમાં સવાલ ઉઠશે કે આમાં આધુનિકતાની વાતને ક્યાં કંઇ લાગે વળગે છે?! પણ, આધુનિકતા એટલે કપડાં પહેરવાની, ખાવા પીવાની કે જીવવાની રીતમાં બદલાવ એટલું જ છે? મારે માટે આધુનિકતા એટલે જૂના રૂઢિવાદી મૂલ્યો અને તમને બાંધતી કે અવરોધતી દરેક વાતમાં સકારાત્મક બદલાવ!! આજે પણ ઉંમરનો એક ચોક્કસ પડાવ પાર કરી ચૂકેલા મોટા ભાગનાં માતા-પિતાનાં મનનાં બેક-ડ્રોપમાં ક્યાંક ને ક્યાંક થોડો ભય સતત જગ્યા કરીને બેઠેલો હોય છે. ‘સમાજમાં પ્રવર્તતા દૂષણો સંતાનને આકર્ષી લેશે તો?’, ‘ ફલાણા ભાઈ કે બેનને દીકરાએ વહુ આવતાં જ તરછોડી દીધા, આપણો એવું તો નહીં કરે ને?’, ‘શરીર નહીં ચાલે ત્યારે અમારું કોણ?’, ‘પુત્ર, પુત્રી કે પુત્રવધૂ આર્થિક નિયંત્રણો હાથમાં લઈ અમને રઝળાવી મુકશે તો?’, ‘ભવિષ્યમાં આવક નહીં હોય ત્યારે સંતાન મદદ કરશે કે માંગશે?’ – આમાંનો એક પણ વિચાર તથ્ય વિનાનો તો ન જ કહી શકાય છતાં પણ કાલ્પનિક તો ખરો જ. કાલ્પનિક એટલા માટે કે, દુનિયામાં બધું જ સારું નથી તો બધું ખરાબ પણ નથી જ. ફલાણા ભાઈ કે બેનને આ પ્રકારનો અનુભવ થયો તો મને પણ એવો જ થાય તે કેટલે અંશે શક્ય છે? કે પછી તેમણે આવો નિર્ણય લીધો અને આવું પરિણામ આવ્યું એટલે મારે પણ એમ જ થશે તેની કોઈ ગેરંટી ખરી? તમારી પોતાની જ પાંચે પાંચ આંગળીઓની છાપ એકસરખી નથી તો, તમારા અને બીજાનાં જીવનનાં સંજોગો કે અનુભવો એકસરખા કેવી રીતે હોય શકે?

માતા-પિતા તરીકે સંતાનોને તમે સભાનપણે સમય, સગવડ અને કેળવણી આપવાની સાથે સાથે ધ્યાન બહાર પ્રેમ, હુંફ, લાગણી, સદ્ભાવ અને વિશ્વાસ આ બધું પણ સતત તેનાં માગ્યા વિના આપતા જ રહો છો અને તમને ખબર પણ ન પડે તેમ બાળક આ બધું જ ગ્રહણ કરતું જાય છે. ઉંમરનો એક ચોક્કસ તબક્કો પાર કર્યા બાદ, હવે તમારો વારો આવે છે એ જ વિશ્વાસને પોતાની અંદર સ્થાપિત થયેલો અનુભવવાનો. તમે માતા-પિતા તરીકે બને કે વધુ અનુભવી હોવાથી બાળકનાં અમુક નિર્ણયો સામે અવિશ્વાસ ધરાવતા હો પરંતુ, તેની લાગણીઓ પ્રત્યે અવિશ્વાસનો પ્રશ્ન જ ક્યાં ઊભો થાય છે? એ તમારું છે, તે કેવી રીતે તમારું અહિત કરી શકે કે ઇચ્છી શકે? તમને ક્યારેય પોતાનાં જ આંખ, કાન, હાથ કે પગ તરફથી અસલામતી અનુભવાય છે? આ દરેક અંગ તમે આવ્યા ત્યારથી સાથે છે અને તમને કુદરત તરફથી મળ્યું છે તો પણ શરીર તમને પોતાનું લાગતું હોય તો સંતાન તો તમારામાંથી ઉદ્દભવ્યું છે તો શું તેનાં પર વધારે વિશ્વાસ ન હોવો જોઈએ?? ઉપરાંત માતા-પિતા તરીકે સતત જે અસુરક્ષાનાં ઓળા મન પર છવાયેલા રહે છે તે તો ફક્ત શક્યતાઓ જ છે ને? દરેક સંબંધમાં ખરેખર તો કોઈના ઉપર રાખેલ દ્રઢ વિશ્વાસ જ તમને સાચી સલામતી અને સધિયારો આપી શકે. ફક્ત માતા-પિતા અને સંતાનો જ કેમ, કોઈના પણ માટે ‘મારું છે’ એવું કહેવાનો મતલબ જ એ છે કે કંઇ પણ થાય ભરોસો નહીં તૂટે!!

ક્યારેક એ પણ વિચારવાની જરૂર પડતી હોય છે કે આપણી અંદર ઊગી રહેલ અવિશ્વાસ સંતાનને પણ ક્યાંક ને ક્યાંક તો સ્પર્શતો જ હોય છે. જે બાળક તરીકે તમારા તરફથી મળતા પ્રેમ, હુંફ અને સદ્દ્ભાવને ઓળખી શકતું હોય તે શું સમજણનો ઉંબરો ચઢ્યા બાદ આ અવિશ્વાસ ન પામી શકે? એટલે જ જ્યારે પણ અસલામતીની શક્યતાનો નાનો એવો હુમલો અનુભવાય ત્યારે, તેનાં પરિણામ વિશેની શક્યતાઓ પણ તરત જ ચકાસી લેવી જોઈએ. સંતાનો તમારાથી દૂર થઈ જવાનો કે કહ્યામાં ન રહેવાનો તમારો ડર તેને તો તમારાથી દૂર નથી લઈ જઈ રહ્યો ને તે એક વખત ચોક્કસ તપાસી લેવું.

અવિશ્વાસનાં મૂળમાં મુખ્યત્વે નજીકનાં લોકોનાં અનુભવો અને સામાજિક પ્રવાહ તો હોય જ છે પરંતુ, જો હજી થોડું ઊંડે અવલોકન કરીએ તો બહુ મજબૂત કારણોમાંનું એક કારણ હોય છે સંતાનોનું તમારાથી અલગ વ્યક્તિત્વ અને તેમનાં કોઈ પણ નિર્ણયોનાં અમલની તમારાથી અલગ કે સ્વતંત્ર પધ્ધતિ!! માતા-પિતા તરીકે જીવવાનાં તમારા tried & tested formula થી અલગ, તમે જેનાથી અજાણ છો એવું કંઈક  –  આ બધું સરવાળે જે અકળામણ આપે છે તે ધીમેથી ક્યારે અવિશ્વાસ બની જાય છે તે સમજાતું પણ નથી અને ક્યારેક સમજાય તો બહુ મોડું થઈ જાય છે. સામે પક્ષે સંતાન પોતે પણ કેટલું ઘવાય છે કે પીડાય છે તે પણ ગણતરી માંડવી જોઈએ કારણ કે, છેવટે તે ઘા તમને જ લાગી રહ્યા હોય છે!!

આ ‘શું કરું?’ કે ‘શું થશે?’ ની અસમંજસ ન અનુભવવી હોય તો, સંતાનોને સંશયનાં દિશાહીન અંધારામાં છોડી દેવા કરતાં, વિશ્વાસપૂર્વક તેમની સાથે ચાલવાથી સાથ લાંબો જળવાય છે. સમય, સંજોગો અને અનુભવો તેમને પણ સાચી પરિસ્થિતી તરફ વાળી જ દેશે, તેઓ ક્યારેક ખોટા નિર્ણયો લેશે પણ ખરા અને થનારું નુકસાન જીરવી પણ જશે પરંતુ, જો તમે સાથે હશો તો!! એટલે ભયયુક્ત મન સાથે પોતાને તથા તેમને અન્યાય કર્યા વિના ફક્ત એક વખત ભરોસો કરી જોવામાં નુકસાન તો નથી જ… કરી તો જુઓ, છેવટે તો ઘીનાં ઠામમાં જ ઘી છે ને!?

If you prefer to read in English, I found an article about trust by Lori Gean Glass.

    Some links on this page are affiliate links. If you buy through them, this site may earn a commission at no extra cost to you.